પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનના રહેણાંક સહિત અનેક સ્થળોએ આવકવેરા વિભાગે આજે સવારે દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનૌના સ્થળોનો સમાવેશ થાય છે. આઝમ ખાનના જૌહર ટ્રસ્ટમાં આચરવામાં આવેલી ગેરરીતિઓની કડીઓ શોધવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમે સીતાપુરમાં આઝમ ખાનની નજીક આવેલી રિજન્સી પબ્લિક સ્કૂલના મેનેજરના ઘરે દરોડા પાડ્યા છે. બે વાહનોમાં આવેલા આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. રામપુરમાં સપા ધારાસભ્ય નસીર ખાનના ઘરે આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
આવકવેરા વિભાગના અધિકારીઓએ આઝમ ખાનના હમસફર રિસોર્ટ પર પણ દરોડા પાડ્યા છે. તેવી જ રીતે, મધ્યપ્રદેશના વિદિશામાં, આવકવેરા વિભાગની ટીમે બડા બજાર વિસ્તારમાં રહેતા સમાજવાદી પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વર્ગસ્થ ચૌધરી મુનવ્વર સલીમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે આ દરોડા અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે સરકાર જેટલી નબળી થશે, વિપક્ષ પર તેટલા જ દરોડા વધશે.
જણાવી દઈએ કે છ મહિના પહેલા આવકવેરા વિભાગે પૂર્વ મંત્રી આઝમ ખાન, તેમના પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના આવકવેરા સોગંદનામાની ફરીથી તપાસ શરૂ કરી હતી. વાસ્તવમાં, વિધાનસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે દાખલ કરેલા આવકવેરાના સોગંદનામામાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી. બીજી તરફ, તપાસ દરમિયાન તન્ઝીન ફાતિમાના બેંક ખાતાઓમાં પણ ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી અને આ ખાતાઓમાં ઘણા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. તે સાથે જ જૌહર ટ્રસ્ટના લેવડદેવડના ઘણા શંકાસ્પદ વ્યવહારો પણ બહાર આવ્યા હતા. આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) લગભગ ત્રણ વર્ષથી આઝમ ખાન અને તેમના પરિવારના સભ્યો તથા જૌહર ટ્રસ્ટની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
તપાસનો આદેશ વર્ષ 2019માં અપાયો હતો
વર્ષ 2019માં વર્તમાન ધારાસભ્ય બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેનાએ તત્કાલિન સાંસદ આઝમ ખાન પર બેનામી પ્રોપર્ટી અને ટેક્સમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી અને દસ્તાવેજો પણ સોંપ્યા હતા. આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રાલયે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. આરોપ હતો કે 2012માં સમાજવાદી પાર્ટીની સરકાર બન્યા બાદ સાંસદ આઝમ ખાને 560 એકર જમીન પર જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. તેમાં નિયમો અને કાયદાને બાજુ પર રાખીને સરકારી ભંડોળનો દુરુપયોગ અને જમીનો પર કબજો કર્યાની વાત કરવામાં આવી હતી.
Advertisement