વડાપ્રધાન અને ભાજપાના દિગ્ગજોના ફોટો દેખાડીને કરોડોનું ફુલેકુ ફરેવનાર મહાઠગ સંજય રાય શેરપુરિયાની ઉત્તરપ્રદેશ ટાસ્ક ફોર્સ પૂછતાછ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે સંજય રાય પાસે એક ગુપ્ત ડાયરી છે, જેમાં સમગ્ર કૌભાંડમાં મદદરુપ થનારાઓની નામ સહિતની વિગતો છે.
હવે આ ડાયરીમાં એવા કેટલાક નામ છે જેને લઈને રાજકીય અને વહીવટી ક્ષેત્રે મોટો ભૂકંપ આવી શકે છે, જેમાં ખાસ કરીને ગુજરાતના નેતા, સાંસદ, ધારાસભ્યો ઉપરાંત IAS અધિકારીઓના નામ હોઈ શકે છે.
આ ગુપ્ત ડાયરી ખૂલ્યા પછી વિગતો બહાર આવશે અત્યારે તો ગુજરાત ભાજપાના નેતાઓ અને અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા છે.
સંજય શેરપુરિયાએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે કંડલા, એનર્જી એન્ડ કેમિકલ કંપની ઉપરાંત અન્ય શેલ કંપનીઓ ઊભી કરીને મની લોન્ડરિંગ થકી કરોડો રુપિયા એકત્ર કર્યા છે. જોકે પોલીસને એવી જાણકારી મળી છે કે સંજય રાય પાસે એક ગુપ્ત ડાયરી છે, જેમાં કરોડોના કૌભાંડમાં મદદ થનારાં નેતાઓના નામ સહિતની વિગતો છે.
સંજય રાયે કૌભાંડ વિશે ખબર ન પડે તે માટે ડાયરીમાં કોડવર્ડથી બધીય ગુપ્ત માહિતી લખી છે. તેણે ખુદ એ વાત કબૂલી છે કે પોલીસ પણ ડાયરી પકડે તો ભેદ જાણી શકે નહીં તે માટે તમામ માહિતી કોર્ડવર્ડમાં લખી છે. આ ડાયરીમાં ઘણી ચોંકાવનારી વિગતો હોવાથી પોલીસને આશંકા છે જેથી થોડાક દિવસોમાં યુપી ટાસ્ક ફોર્સ સંજય રાયને અમદાવાદ લાવે તેવું જાણવા મળ્યું છે.
Advertisement