મુંબઈઃ મહાગઠબંધન INDIAની ત્રીજી બેઠક પૂરી થઈ ગઈ છે. એવી શક્યતા છે કે ચોથી બેઠક ટૂંક સમયમાં દિલ્હીમાં યોજાશે. મુંબઈમાં યોજાયેલી આ બે દિવસીય બેઠકમાં મહત્વના ઘણાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં સંયોજકના નામની જાહેરાત થઈ શકે છે. પરંતુ સંયોજકના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 13 સભ્યોની સંકલન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવી, ચાલો જાણીએ કોણે શું કહ્યું ?
Advertisement
Advertisement
પોતાની જાતને ભગવાન કરતાં મોટા સમજનારાનું પતન નિશ્ચિત
મહાગઠબંધનની બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પોતાને ભગવાન કરતાં પણ મોટા સમજવા લાગ્યા છે અને જ્યારે કોઈ પોતાને ભગવાન કરતા મોટું સમજે છે તો તેનું પતન નિશ્ચિત થાય છે. હવે દરેકને લાગે છે કે મોદી સરકારના પતનનું કારણ INDIAનું ગઠબંધન બનશે. અહીં જેટલાં પણ લોકો આવ્યા છે તે બધા દેશને બચાવવા માટે આવ્યા છે, કોઈ પદ માટે નથી આવ્યું.
પીએમ ક્યારેય ગરીબો માટે કામ નહીં કરે- ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું કે પટણા, બેંગલુરુ પછી મુંબઈમાં અમારી બેઠક મળી. અમારો બધાનો ઉદ્દેશ્ય એક જ છે કે મોંઘવારી અને બેરોજગારી સામે અમે કેવી રીતે લડી શકીએ. હું કહી શકું છું કે મોદીજી ક્યારેય ગરીબો માટે કામ નહીં કરે. ગઈકાલે રાહુલ ગાંધીએ એક રિપોર્ટ બતાવ્યો કે કેવી રીતે અદાણીની આવક વધી ગઈ છે. અમે અમારા ઠરાવના આધારે જ કામ કરીશું, દરેક જગ્યાએ બેઠકો યોજીશું અને દરેક રાજ્યની રાજધાનીમાં જઈશું.
ભાજપ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત કરી શકે છે
બેઠક બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આજે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે હવે ઝડપથી કામ શરૂ કરી દઈશું. કોઈ ઠેકાણું નથી, સમય પહેલા પણ ચૂંટણી થઈ શકે છે, તેથી અમારે લોકોએ પણ સજાગ રહેવું પડશે. આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે નિયમિત રીતે સ્થળે સ્થળે જઈને અમારા પ્રચાર-પ્રસારનું કાર્ય કરીશું. હવે તમામ પક્ષો એક થઈને કામ કરી રહ્યા છે, પરિણામે જે કેન્દ્રમાં છે તેઓ હવે હારી જશે.
અમે અમારું નુક્સાન કરીને INDIAને વિજયી બનાવીશું – લાલુ પ્રસાદ
RJD પ્રમુખ લાલુ યાદવે મહાગઠબંધનની ત્રીજી બેઠક બાદ કહ્યું કે આપણે બધા એક છીએ અને આ લડાઈ એક થઈને લડીશું. અમે રાહુલ ગાંધીને ખાતરી આપીએ છીએ કે અમે બધા એક થઈને તમામ લોકોને સાથે રાખીને ભવિષ્યમાં સીટની વહેંચણી શરૂ કરીશું. કોઈ મુશ્કેલી- તકલીફ નહીં થાય. અમે અમારું નુક્સાન કરીને પણ INDIAને વિજયી બનાવીશું, દેશને બચાવીશું અને મોદીને હટાવીશું.
Advertisement