ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ અભિષેક બેનર્જીને પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તેમને ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાનો હતો એવા સમયે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. શિક્ષક ભરતી કૌભાંડ મામલે EDએ અભિષેક બેનર્જીની લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ ED ઓફિસમાંથી બહાર આવતાં બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
ઇડી દ્વારા પૂછપરછ બાદ ગઈ મોડી રાત્રે ઇડી ઓફિસમાંથી બહાર આવેલા તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ અભિષેક બેનર્જીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે INDIA ગઠબંધનની સંકલન સમિતિની બેઠક યોજાવાની હતી, તેથી મને આજે ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, હું કમિટીનો સભ્ય છું, મને આજે સવારે 11:30 વાગ્યે બોલાવવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આ બધું જોઈને ED દ્વારા મને રોકવાનો પ્રયાસ કરી રહી છે. હું તેનો નિર્ણય જનતા પર છોડી દઉં છું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે હું સૌનો આભાર માનું છું અને મને ખુશી છે કે આજે તે બેઠક (INDIA ગઠબંધનની સંકલન સમિતિની બેઠક) થઈ. આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે. જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાંથી માત્ર તૃણમૂલ પાર્ટી તરફથી મને નોટિસ મળી છે, આ દર્શાવે છે કે ગઠબંધનને સફળ બનાવવામાં તૃણમૂલ કોંગ્રેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આજે જાણી જોઈને બોલાવવામાં આવ્યો હતો. હું ED સમક્ષ હાજર થયો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વધુમાં કહ્યું કે મેં વારંવાર કહ્યું છે કે તેઓ તેમનો અને મારો બંનેનો સમય બગાડે છે. એમાં એજન્સીના અધિકારીઓની પણ ભૂલ નથી, તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. 9-10 કલાકની પૂછપરછ પછી પણ નિષ્કર્ષ શૂન્ય આવ્યું હશે. અગાઉ પણ જ્યારે મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે પણ તેવું જ નિષ્કર્ષ રહ્યું છે. જેઓ રાજકીય રીતે લડી શકતા નથી તેઓ આ રીતે એજન્સીનો દુરુપયોગ કરે છે. અમને જેટલી વખત પરેશાન કરવામાં આવશે લોકો તૃણમૂલ કોંગ્રેસને સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં સીબીઆઈએ પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી, તેમની સહયોગી અર્પિતા મુખર્જી તેમજ અન્ય કેટલાંક લોકોની ધરપકડ કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતાઓએ 2014 થી 2021 વચ્ચે પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓ તરીકે નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લાંચ લીધી હતી. સીબીઆઈ અને ઈડી બંને આ મામલાની તપાસ કરી રહી છે.
Advertisement