તમિલનાડુના ઉર્જા મંત્રી વી સેંથિલ બાલાજીના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)તેમની ધરપકડ કરી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)હેઠળ બાલાજીની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેમને એક દિવસ પછી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોર્ટમાં ED તેમની કસ્ટડી માંગશે.
Advertisement
Advertisement
આ અગાઉ બુધવારે વહેલી સવારે તેમને સરકારી હોસ્પિટલના ICUમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ડીએમકેના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે બાલાજીએ તેમના નિવાસસ્થાન અને પ્રિમાઈસીસ પર દરોડા પછી અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. રાજ્યના મંત્રી પીકે સેકર બાબુએ કહ્યું કે બાલાજીની હાલત જોઈને જાણે તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોય એવું લાગતું હતું.
બીજી બાજુ, EDએ જ્યારે લાંબા સમય પછી બાલાજીની ધરપકડની માહિતી આપી, ત્યારે હોસ્પિટલમાં બાલાજીની મુલાકાત લેવા પહોંચેલા DMKના વકીલોએ પણ આ મામલે કોઈ સ્પષ્ટતા હોવાનું નકારી કાઢ્યું હતું. તમિળનાડુના ઉર્જા મંત્રીને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા તે વીડિયોમાં બાલાજીને રડતા પણ બતાવવામાં આવ્યા હતા. દરમિયાન, બાલાજીને જ્યાં દાખલ કરવામાં આવ્યા હતા તે હોસ્પિટલમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરી દેવાયા છે.
પી સેકર બાબુએ સેંથિલ બાલાજીની હાલત અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ઉર્જા મંત્રીને અત્યારે ICUમાં રાખવામાં આવ્યા છે. તેઓ બેભાન છે અને તેમને તેમના નામથી બોલાવાય છે તો પણ તેઓ જવાબ આપતા નથી. તેમના કાનની પાસે સોજો આવી ગયેલો છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ECGમાં પણ ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા છે. બાલાજી પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો બાબુએ આરોપ લગાવ્યો છે.
ડીએમકેના મંત્રીઓએ EDપાસે જવાબ માંગ્યો
આ સાથે જ રાજ્યના કાયદા મંત્રી એસ રઘુપતિ પણ બાલાજીને જોવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ધરપકડ અંગે કશું સ્પષ્ટ નથી. તેમણે બાલાજીના નિવાસસ્થાને કલાકો સુધી ચાલેલા EDના દરોડા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બાલાજીની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે ઇડીના અધિકારીઓ તાત્કાલિક સ્પષ્ટતા કરે તેવી ડીએમકેના વકીલોએ માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે પોલીસ અને EDને બાલાજી વિરુદ્ધ કથિત ‘કેશ-ફોર-જોબ’ કૌભાંડની તપાસ કરવાની ગયા મહિને મંજૂરી આપી હતી. તેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ મંગળવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ચેન્નાઈ, કરુર અને ઈરોડમાં બાલાજી સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.
Advertisement