દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે યોજાશે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે મતદાન થશે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થશે. પાંચેય રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
Advertisement
Advertisement
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે PwDના કુલ મતદારોની સંખ્યા 17.34 લાખ છે, જો તેઓ મતદાન મથક પર આવીને મતદાન કરી ન શકે, તો તેમને તેમના ઘરેથી પણ મતદાન કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે 17 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી, સમગ્ર દેશમાં કોઈ મતદાર યાદી સંબંધિત કોઈપણ સુધારા વધારા કરાવવા માંગતું હોય તો તે કરાવી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મધ્યપ્રદેશની વિધાનસભા સીટોને ભેગી કરવામાં આવે તો કુલ 679 બેઠકો થશે. હાલ મિઝોરમમાં 8.52 લાખ, છત્તીસગઢમાં 2.03 કરોડ, મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.2 કરોડ અને તેલંગાણામાં 3.17 કરોડ મતદારો છે. આ તમામ મતદારોની કુલ સંખ્યામાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં જણાવ્યું હતું કે લગભગ 60 લાખ મતદારો (18-19 વર્ષ) પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લેશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે 2900થી વધુ મતદાન મથકોનું સંચાલન યુવાનો દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ પણ માનવામાં આવી રહી છે.
Advertisement