દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 સપ્ટેમ્બરે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના સાંસદોની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં સંસદના વિશેષ સત્રને લઈને ગૃહમાં મોદી સરકારને ઘેરવાની વ્યૂહનીતિ ઘડવામાં આવશે. આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી સાંસદોની બેઠક બોલાવી છે. બેઠકમાં આગામી સત્રના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. બંનેએ પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર) આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં 5 બેઠકો થશે. મને આશા છે કે અમૃતકાળના આ સમય દરમિયાન યોજાનારા આ સત્રમાં સંસદમાં સાર્થક ચર્ચાઓ અને વિચારણા થશે. કેન્દ્રના આ નિર્ણય બાદ વિપક્ષ ભડકી ગયો છે.
ચોમાસુ સત્ર દરમિયાન ભારે હોબાળો થયો હતો
અગાઉ સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. પરંતુ મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદનની માંગ પર અડગ હતો, જ્યારે સરકાર ગૃહમંત્રીના જવાબ પર ચર્ચા પર અડગ હતી. આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ પછી, કોંગ્રેસ મણિપુર મુદ્દે લોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી, જે દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
અત્યાર સુધી કેટલાં વિશેષ સત્ર ?
આઝાદી બાદ સંસદમાં કુલ 6 વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1997માં વધુમાં વધુ 6 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જે આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા પર બોલાવવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી બોલાવવામાં આવેલા તમામ વિશેષ સત્રોમાં સરકારે મોટા નિર્ણયો લીધા છે. આ વખતે પણ કંઈક ખાસ અને મોટું થઈ શકે છે. આ અંગે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે.
Advertisement