લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અલગ-અલગ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એટલું જ નહીં રાજ્યમાં ચાલતા બુલડોઝરથી લઈને કાયદો અને વ્યવસ્થાની વાત કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે શું મારે એવા લોકોની આરતી ઉતારવી જોઈએ જેમણે ગેરકાયદેસર રીતે સરકારી સંપત્તિ હડપ કરી છે? યુપીના લોકો ગુનેગારો અને માફિયાઓ સામે કાર્યવાહી થાય તેમ ઈચ્છે છે.
Advertisement
Advertisement
આ ઉપરાંત તેમણે કહ્યું કે હું છેલ્લાં સવા છ વર્ષ કરતાં વધુ સમયથી ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું અને 2017થી રાજ્યમાં કોઈ રમખાણ થયા નથી. છેલ્લાં છ વર્ષમાં કોઈ કર્ફ્યુ લગાવાયો નથી, કોઈ તોફાનો નથી થયાં અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. અમે ઢોંગ કે દંભનો આશરો લીધો નથી. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે અને જો તેઓ સક્ષમ હશે તો તેઓ જીતશે. જો અમે સક્ષમ હોઈશું, તો અમે જીતીશું, જો અમે સક્ષમ નહીં હોઈએ, તો અમે હારી જઈશું. જો વ્યક્તિ હરીફ હોય અને જીતવા માટે સક્ષમ હોય તો તેણે જીતવું જોઈએ. આ એક લોકશાહી અધિકાર છે. અમે તેને આનાથી વંચિત રાખી શકીએ નહીં. પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના કાર્યકરોની હત્યા કરી દેવામાં આવી. તેના વિશે કોઈ બોલતું નથી, બધા મૌન છે.
આ સિવાય તેમણે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદ વિશે કહ્યું કે જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે, તેથી આપણે તેને જ્ઞાનવાપી કહીએ. ‘ત્રિશૂલ’ મસ્જિદની અંદર શું કરે છે ? અમે તેને ત્યાં રાખ્યું નથી ને, અંદર સુરક્ષા છે, કેન્દ્રીય દળ છે, ત્યાં એક ‘જ્યોર્તિલિંગ’ છે, દેવતાઓની મૂર્તિઓ છે. તમે ઇતિહાસને વિકૃત કરી શકો છો, પરંતુ દિવાલો પરના ઐતિહાસિક પુરાવાઓ નહીં. મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પણ એક પ્રસ્તાવ આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને તેઓએ તેનો ઉકેલ શોધવો જોઈએ.
વધુમાં, તેમણે કહ્યું કે કોઈએ આ દેશમાં રહેવું હોય તો તેણે પોતાના દેશને સર્વોપરી માનવો પડશે, મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે સીએમ યોગીએ કહ્યું કે મણિપુરમાં ફરીથી શાંતિ સ્થપાશે અને ત્યાંની ભાજપ સરકાર જે વિકાસ પ્રક્રિયાને આગળ વધારી રહી હતી તે ઝડપથી આગળ વધશે.
Advertisement