પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સીએમ મમતા બેનરજીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ ચૂંટણીઓ બેલેટ બોક્સ દ્વારા યોજાય છે, અહીં જે પ્રિસાઇડીંગ ઓફિસર-કાઉન્ટીંગ એજન્ટો હોય છે તેમને અગાઉથી તાલીમ આપવામાં આવે છે, પરંતુ તેના માટે પણ અમે જવાબદાર છીએ, વિપક્ષ નહીં ? તૃણમૂલ કોંગ્રેસની ઘણી બેઠકો પર મતદાન થઈ શક્યું નથી, પરંતુ આ માટે અમે અમારા કાર્યકરો-નેતાઓને કોઈપણ રીતે વિરોધ કે દેખાવો ન કરવા સૂચના આપી છે. વિધાનસભાની ચૂંટણી કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ યોજાઈ હતી. આ ચૂંટણી પણ કેન્દ્રીય દળની દેખરેખ હેઠળ યોજાઈ છે.
Advertisement
Advertisement
અમે કોર્ટના આદેશનું પાલન કર્યું – સીએમ મમતા
પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા માટે વિપક્ષ સતત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કરી રહ્યો છે. ચૂંટણી પૂરી થયા બાદ સીએમ મમતાએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે 71,000 બૂથ પર ચૂંટણી થઈ, ઘટના કેટલાં વિસ્તારોમાં થઈ ? લગભગ 60 બૂથમાં તોડફોડ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ મતપેટીમાં પાણી પણ નાખવામાં આવ્યું હતું, હું જાણું છું કે આ સીપીએમના કાર્યકરોએ કર્યું હતું, તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? ધરપકડ કેમ ન થઈ? અમે કોર્ટના આદેશનું પાલન કર્યું. કેન્દ્રીય દળ મોકલવામાં આવ્યું અને અમે તેને સ્વીકાર્યું.
BJP પ્રોટેક્શન કમિટી બની ગઈ છે
એટલું જ નહીં, મમતાએ હિંસાની તપાસ માટે આવેલી ભાજપની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે મણિપુર બે મહિનાથી સળગી રહ્યું છે, હવે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ક્યાં છે ? NRCને કારણે આસામ સળગી રહ્યું હતું ત્યારે આ ટીમ ક્યાં હતી ? ઉત્તર પ્રદેશમાં 67% બેઠકો પર મતદાન નથી થતું ત્યારે આ કમિટી ક્યાં હોય છે ? જ્યારે કુસ્તીબાજો તેમના પર થયેલા અત્યાચાર માટે વિરોધ દેખાવો કરી રહ્યા હતા ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ક્યાં હતી? અહીં (પશ્ચિમ બંગાળમાં) બે વર્ષમાં આટલી બધી ટીમો અને કમિશન્સે બંગાળની મુલાકાત લીધી છે, લગભગ 154 ટીમોએ બંગાળની મુલાકાત લીધી છે. આ બીજેપી પ્રોટેક્શન કમિટી છે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નથી.
આ ઉપરાંત, હિંસામાં માર્યા ગયેલા લોકોને વળતરની જાહેરાત કરતાં મમતાએ કહ્યું કે આટલા લોકો માર્યા ગયા તે દુર્ભાગ્યપૂર્ણ છે. 19 લોકોના મોત થયા છે, તેમને બે લાખ વળતર અને વિશેષ હોમગાર્ડની નોકરી આપવામાં આવશે. તેમાં ટીએમસીના દસ લોકોનો પણ સમાવેશ થાય છે. અમે કોઈપણ પક્ષનો રંગ જોઈને મદદ નહીં કરીએ, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને સરકાર તરફથી વળતર અને નોકરી આપવામાં આવશે.
Advertisement