દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર માટે સૂચિત એજન્ડાની જાહેરાત કરી દીધી છે. આ અંગે માહિતી આપતાં સરકારે કહ્યું કે સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં સંસદની 75 વર્ષની યાત્રા વિશે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બંધારણ સભાને લઈને અત્યાર સુધીની સંસદીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે સત્ર દરમિયાન ચાર બિલ પણ રજૂ કરવામાં આવશે.
Advertisement
Advertisement
પોસ્ટ ઓફિસ બિલ, 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલને રાજ્યસભામાં વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બંને બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પ્રેસ એન્ડ પીરિયોડિકલ રજિસ્ટ્રેશન બિલ 2023 લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બંને બિલ રાજ્યસભા દ્વારા 3 ઓગસ્ટે ચોમાસુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા. આ પછી, તેને 4 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ મણિપુર મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે આ બિલ પસાર થઈ શક્યા ન હતા.
મોદી સરકાર દ્વારા બોલાવવામાં આવેલા આ પાંચ દિવસીય વિશેષ સત્રના એજન્ડા અંગે વિપક્ષ સતત સવાલો કરી રહ્યો હતો. કોંગ્રેસ દ્વારા સરકારને નિશાન બનાવવામાં આવી રહી હતી. વિપક્ષની માંગ છે કે સરકાર એજન્ડા જાહેર કરે. હવે મોદી સરકારે આ સંદર્ભે પ્રસ્તાવિત એજન્ડા બહાર પાડી દીધો છે. કારણ કે, એવી અટકળો હતી કે વિશેષ સત્ર દરમિયાન સરકાર ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રસ્તાવ મૂકી શકે છે અને દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરી શકે છે. જો કે સરકારે જાહેર કરેલા એજન્ડામાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
Advertisement