તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. BRSએ તેના ચૂંટણી ઢંઢેરામાં લોકોને ઘણાં વચનો આપ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં પાત્રતા ધરાવતા તમામ પરિવારોને 400 રૂપિયામાં ગેસ સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાયથુ બંધુ યોજના હેઠળ પ્રાપ્ત થતી દર વર્ષે 10,000 રૂપિયાની રકમને વધારીને 16,000 રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
રૂપિયા 5 લાખનો વીમો
ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતી વખતે, BRS પ્રમુખ કે ચંદ્રશેખર રાવે કહ્યું કે વિકલાંગ લોકો માટે સામાજિક સુરક્ષા પેન્શન વધારીને 6000 રૂપિયા કરવામાં આવશે. આ ઉપરાંત, તેલંગાણાના 93 લાખ BPL પરિવારોને KCR વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાનો વીમો મળશે. બીઆરએસ પાર્ટી પરિવાર દીઠ રૂ. 10 લાખની ગ્રાન્ટની ‘દલિત બંધુ’ યોજના પણ જાળવી રાખશે. ચૂંટણી ઢંઢેરા અનુસાર, KCR આરોગ્ય રક્ષા યોજના અને આરોગ્યશ્રી ભીમ યોજનામાં કવરેજ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવશે.
હૈદરાબાદમાં 2 BHKના 1 લાખ મકાન બનાવવામાં આવશે
ચૂંટણી ઢંઢેરા મુજબ હૈદરાબાદમાં એક લાખ 2 BHK મકાનો બનાવવામાં આવશે અને ભૂમિહીન લોકોની ઓળખ કરીને તેમને ગૃહલક્ષ્મી યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ સિવાય પાર્ટીએ રાજ્યમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 119 રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવાનું પણ વચન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પાંચેય રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Advertisement