કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ 2023માં ભાજપને આ વર્ષના અંતમાં ચાર મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણીઓ માટે તેના પ્રચાર અને વ્યૂહરચનામાં ફેરફાર કરવાની પ્રેરણા આપી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં ચૂંટણીઓ યોજાવાની છે. આમાંથી ફક્ત મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. રાજસ્થાનમાં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પોલિસી અને તેલંગાણા-છત્તીસગઢમાં સત્તા વિરોધી લહેર તેમની તરફેમમાં કામ કરવાની આશા છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓ કહ્યું કે, પાર્ટીએ ચારેય રાજ્યોમાં નેતૃત્વના મુદ્દાઓ અને ઉમેદવારો નક્કી કરતી વખતે જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકની ચૂંટણીમાં અમને સખત પાઠ મળ્યો છે. ત્યાં લિંગાયત સમુદાય બીએસ યેદિયુરપ્પાને ટોચના પદ પરથી હટાવવાના અને જગદીશ શેટ્ટર, લક્ષ્મણ સદાવી જેવા નેતાઓને ટિકિટ આપવાનો ઈનકાર કરવાના નિર્ણયથી નારાજ હતા. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો. લિંગાયતોના મત કોંગ્રેસ તરફ વળ્યા.
મળી માહિતી અનુસાર એક સૂત્રએ જણાવ્યું કે, જરુર પડશે તો ભારતીય જનતા પાર્ટી પણ નાના પક્ષો સાથે ચૂંટણી જોડાણ માટ તૈયાર છે. એવી અટકળો ચાલી રહી છે કે જો ભાજપે કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની જેડીએસ સાથે ગઠબંધન કર્યું હોત તો કેટલીક બેઠકો પર પાર્ટીને મદદ મળી હોત.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રણનીતિ બદલી છે. સૌથી મોટો ફેરફાર કેન્દ્રીય નેતાઓ અને મુખ્યમંત્રીઓ પર વધુ પડતો આધાર રાખવાને બદલે સ્થાનિક નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. કોંગ્રેસે સ્થાનિક નેતાઓને પ્રચાર અભિયાન ચલાવવાની છૂટ આપી હતી, જેનો ફાયદો પણ તેને મળ્યો હતો.
પક્ષે જૂથવાદને સમાપ્ત કરવાનો પણ નિર્ણય લીધો છે. કર્ણાટકમાં આને એક મોટી સમસ્યા તરીકે જોવામાં આવતું હતું. જગદીશ શેટ્ટર જેવા નેતાઓને જૂથવાદના કારણે ટિકિટ મળી ન હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વ્યૂહરચનાના નિર્ણાયક બની રહેશે, જ્યાં એકતાનો અભાવ એ પક્ષ સામેનો સૌથી મોટો પડકાર છે.
મધ્યપ્રદેશની વિધાન સભા ચૂંટણીમાં હાલના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્રસિંહ તોમર, બીડી શર્મા જેવા અન્ય નેતાઓને સાથે રાખવા એ પણ ભાજપની રણનીતિનો ભાગ છે. જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં વસુંધરા રાજે જેવા મોટા નેતાને પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત કિરોનીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, સતીષ પુનિયા, કૈલાશ ચૌધરી જેવા નેતાઓને સાથે રાખવાથી પણ પાર્ટી માટે ફાયદાકારક રહેશે.
છત્તીસગઢમાં રમણસિંહ, બ્રિજમોહન અગ્રવાલ, અરુણ સાઓ જેવા નેતાઓને મહત્વ આપવામાં આવશે. આ નેતાઓને પ્રચારમાં પ્રમોટ કરવામાં આવશે. આદિવાસી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આ ઉપરાંત તેલંગાણામાં બંદી સંજ્ય, ઈ રાજેન્દ્રન, જી કિશન રેડ્ડી જેવા નેતાઓને મહત્વ આપવામાં આવશે. રાજ્યના નેતાઓની લડત અને જૂથવાદને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવશે.
પાર્ટીની રણનીતિ બદલતી વખતે હવે ચૂંટણીની રણનીતિમાં જનઆધાર ધરાવતા વરિષ્ઠ નેતાઓને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
Advertisement