મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલીઓ વધવાની શક્યતા જણાઈ રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ નિવેદન આપવા બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ વિધાનસભા સચિવને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે સંજય રાઉત અને અંબાદાસ વિધાનસભા અધ્યક્ષ પર દબાણ લાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા છે. તેમનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત છે. આવી સ્થિતિમાં જ્યારે રાજ્યમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો પેન્ડિંગ છે ત્યારે તેમનું નિવેદન કાર્યવાહીને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે. આથી આ બંને સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સંજય રાઉતે શું કહ્યું ?
મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર અંગે સંજય રાઉતે કહ્યું કે બંધારણ, કાયદો અને વિધાયિકાને બેઈમાનીથી લટકાવવામાં આવી રહી છે. તેઓ બંધારણીય હોદ્દા પર બેસીને ગેરકાયદેસર રીતે રચાયેલી સરકાર ચલાવી રહ્યા છે. સંજય રાઉતે એમ પણ કહ્યું કે જો વિધાનસભા અધ્યક્ષ સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે તો તેમની તાનાશાહી ચાલશે નહીં. રાઉતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા અધ્યક્ષ એકપક્ષીય કાર્યવાહી કરી રહ્યા છે.
અંબાદાસ દાનવેએ શું કહ્યું?
અંબાદાસ દાનવે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા છે. તેમણે પણ રાઉત જેવું જ નિવેદન આપ્યું હતું. દાનવેએ કહ્યું કે ન્યાયમાં વિલંબ થવો એ પણ અન્યાય છે અને આ અન્યાય વિધાનસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકારની રચના બાદ ઉદ્ધવ જૂથના ધારાસભ્યોએ સરકારમાં રહેલા ધારાસભ્યો પર પક્ષપલટાનો આરોપ લગાવ્યો હતો. આ પછી એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ પણ ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર આવો જ આરોપ લગાવ્યો હતો. હાલ આ મામલો વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે.
Advertisement