મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં છેલ્લાં કેટલાંક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે NDAમાં સામેલ થઈને રાજ્યમાં રાજકારણને ગરમાવી દીધું છે. એનસીપી નેતા અજિત પવારે તેમના કાકા સામે બળવો કરીને ઘણાં ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાઈ ગયા છે. અજિત પવારે રવિવારે (2 જુલાઈ) ના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ સહિત અન્ય ઘણાં નેતાઓએ પણ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધાં હતા.
Advertisement
Advertisement
આ મંત્રીઓએ શપથ લીધા
અજિત પવાર બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા હતા. અજિત પવારે શપથ લીધા પછી હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ થઈ ગયાં છે. જ્યારે, NCPના ઘણા નેતાઓ મંત્રી તરીકે શપથ લીધા બાદ મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં સામેલ થયા છે. તેમાં છગન ભુજબળથી માંડીને દિલીપ વલસે પાટીલનો સમાવેશ થાય છે. આ સિવાય મંત્રીપદ મેળવનારા નેતાઓમાં હસન મુશર્રફ, દિલીપ વલસે પાટીલ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, અનિલ ભાઈદાસ પાટીલ, બાબુરાવ અત્રામ અને સંજય બંસોડનો સમાવેશ થાય છે.
NCPની બેઠકમાં શરદ પવારે શું કહ્યું?
આ પહેલાં અજિત પવારે NCP ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેના પર NCPના વડા શરદ પવારે કહ્યું કે મને બરાબર ખબર નથી કે આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હોવાના કારણે તેમને (અજિત પવાર)ને ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે. તેઓ તેવું નિયમિતપણે કરે છે. હું આ બેઠક વિશે વધુ જાણતો નથી. તેમનાં નિવેદનથી અટકળો વધી રહી છે કે શું અજિત પવારે તેમના કાકાની મૌન સંમતિથી બળવો કર્યો છે?
શપથ લીધા પછી અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને એક પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે. અમે અહીં એક પક્ષ તરીકે આવ્યા છીએ. અમે તમામ વરિષ્ઠોને પણ જાણ કરી દીધી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષની છે અને યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ. આગામી વિસ્તરણમાં કેટલાંક વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.
Advertisement