નવી દિલ્હીઃ દેશના નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યા બાદ વિરોધપક્ષના રાજકીય પક્ષોએ નીતિ આયોગની બેઠકમાં પણ સરકારનો વિરોધ કર્યો છે. બિહારના સીએમ નીતિશ કુમાર, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, તમિળનાડુના સીએમ એમકે સ્ટાલિન અને કેસીઆરએ આજે યોજાનારી બેઠકમાં હાજર ન રહીને તેના બહિષ્કારની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
દિલ્હી, પંજાબ, તેલંગાણા, બિહારના સીએમ હાજર નહીં રહે
બેઠકના બહિષ્કારની જાહેરાત કરવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ વટહુકમ છે. સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ નિર્ણયને પલટી નાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આ બેઠકનું ઉદ્ઘાટન કરશે. પીએમ નીતિ આયોગના અધ્યક્ષ છે, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો આ બેઠકમાં ભાગ લેવાના છે. આજની બેઠકમાં મુખ્ય આઠ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
કયા મુદ્દાઓ પર યોજાશે આ બેઠક?
વિજ્ઞાન ભવન ખાતે યોજાનારી બેઠકમાં MSMEs, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલનનો અભાવ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિકસિત ભારત અંગે ચર્ચા થવાની છે. આ સિવાય સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ મુખ્ય મુદ્દાઓ રહેશે.
કયા રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે હાજર ?
આ બેઠકમાં દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. આ બેઠકમાં ભાજપ અને તેના તમામ સહયોગી પક્ષો તથા સમાન વિચારધારા ધરાવતા પક્ષો ભાગ લે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓના બહિષ્કારની જાહેરાત પર ભાજપના નેતાઓનું શું કહેવું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.
Advertisement