તમારું બાળક કે પછી આપના પરિવારના સભ્યો હજારો કિલોમીટર દૂર અમેરિકા કે પછી કેનેડાની ધરતી પર જાય અને એરપોર્ટ પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો? કહીને આવકારે અને તમને કહે કે ચાલો મારા ઘરે આવવાનું છે, તો કેવી લાગણી અનુભવાય.
આવો જ મધુર આવકાર દરેક ગુજરાતીને મળે તે હેતુ સાથે એક ભગીરથ કાર્ય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાથ ધર્યું છે.. કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે.
સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દીકરા-દીકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરુપ બની સેટ કર્યા છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે.
આ અંગે વાત કરતા અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.
ઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગત્ત શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મીટિંગ યોજાઈ હતી, જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વ ઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરુઆત કરાઈ છે.
Advertisement