વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી TYB.Com.નું પાંચમા સેમેસ્ટરનું પરિણામ 70 દિવસ બાદ જાહેર કરાયું છે. જોકે આ પરિણામ ઘણા વિદ્યાર્થીઓ માટે આંચકાજનક રહ્યું છે. કારણ કે પાંચમા સેમેસ્ટરમાં 40 ટકા જેટલા વિદ્યાર્થી નાપાસ થયા છે. હવે પ્રશ્ન થાય કે આવું કેવી રીતે બન્યું તો ચાલો જાણીએ…
આટલું નબળું પરિણામ આવવા પાછળ કોરોના જવાબદાર છે. આ અંગે વાત કરતા પેપર તપાસના અધ્યાપકે જણાવ્યું કે, મોટાભાગના વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ જ છૂટી ગઈ હોય તેમ લાગ્યું હતું. અંગ્રેજી માધ્યમની યુનિવર્સિટી હોવાથી અંગ્રેજીમાં જવાબો લખવાના હોય છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબો લખી શક્યા ન હતા.
એક માહિતી અનુસાર 49 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા હતા પણ 10 માર્કની ગ્રેસ આપવાનો નિર્ણય લેવાયા બાદ પરિણામ 60 ટકા પહોંચ્યું હતું.
સામાન્ય રીતે ગ્રેસ આપ્યા વગર પણ 65થી 70 ટકા જેટલું આવતું હોય છે પણ થર્ડ યરના વિદ્યાર્થીઓએ અગાઉના બે વર્ષ કોરોનાના કારણે ઓનલાઈન પરીક્ષા જ આપી, જેમાં માત્ર ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોના કોઈ એક જવાબની વિદ્યાર્થીઓએ પસંદગી કરવાની રહેતી હતી. આ વખતે ટીવાયના વિદ્યાર્થીઓએ પહેલી વખત પાંચમા સેમેસ્ટરમાં 70 માર્કના પેપરમાં થિયરી પ્રકારના પ્રશ્નોના જવાબ લખવાના આવ્યા હતા.
7200 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાંથી 2800 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
Advertisement