સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે હિટ એન્ડ રન કેસમાં કડક કાર્યવાહી કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. હિટ એન્ડ રનના આરોપી સામે પ્રિવેન્શન ઓફ સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત સુરત પોલીસ દ્વારા હિટ એન્ડ રનના કેસમાં આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદ્રામાં દારૂના નશામાં કાર ચલાવતા આ આરોપીએ છ યુવકોને ટક્કર મારી હતી.
Advertisement
Advertisement
આરોપી સાજન પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી
ગત મહિને સુરતના કાપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ રોડ પર નશામાં ધૂત થઈને કાર ચલાવતા આરોપી સાજન પટેલે 3 બાઇક સવારોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કુલ છ યુવકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે હિટ એન્ડ રન કેસમાં આરોપી સાજન પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના આદેશથી સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત હિટ એન્ડ રન કેસમાં આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કાપોદ્રા વિસ્તારમાં એક બેકાબૂ કાર ચાલકે ત્રણ બાઇક સવારો સહિત કુલ છ લોકોને ટક્કર મારી હતી. સાજન પટેલ નામના આરોપીએ BRTS રૂટ પર પોતાની સ્વીફ્ટ કારને પૂરઝડપે ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. ઘટના બાદ પોલીસે આરોપીને સ્થળ પર લઈ જઈને જાહેર પરેડ પણ કરાવી હતી. આટલું જ નહીં, પોલીસે પણ ઘટનાસ્થળે જઈને અકસ્માતનું રિક્રિએશન કર્યું હતું.
સુરતના કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે થયેલા અકસ્માતમાં કારની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર માર્યા બાદ બાઇક 20 ફૂટ દૂર જઈને પડ્યું હતુ. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેમાં આરોપી સ્વિફ્ટ કારમાં બીઆરટીએસ ટ્રેક પર જઈ રહ્યો હોવાનું જોઈ શકાય છે અને તે એક પછી એક સામેથી આવતી બાઇકને ટક્કર મારીને નીકળી જાય છે. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ કાર સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે.
Advertisement