સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી યુસુફ ઈસ્માઈલે પાંચ મહિના પહેલા બે વર્ષની બાળકીની ક્રૂર હત્યા કરી નાંખી હતી. આ કેસમાં આરોપીને માત્ર પાંચ મહિનામાં જ સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ કોર્ટે પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિની નોંધ લીધી છે અને દોષીને બાળકીના પરિવારને દસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
સુરતમાં બાળકી પર દુષ્કર્મના કેસમાં માત્ર પાંચ મહિનામાં જ સજા
કહેવાય છે કે 27 ફેબ્રુઆરીના રોજ સુરતના સચિન વિસ્તારમાં યુસુફ ઈસ્માઈલ નામના વ્યક્તિએ બે વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું અને પછી તેની નિર્દતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસે માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી અને માત્ર પાંચ મહિનામાં જ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
બાળકીને ખવડાવવાના બહાને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું
આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હાજત અવારનવાર બાળકીના ઘરે જતો – આવતો હતો, 27 ફેબ્રુઆરીની સાંજે તે બાળકીને જમવા માટે લઈ ગયો હતો. પરંતુ જ્યારે તે ઘણાં સમય સુધી પરત ન આવી ત્યારે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઇસ્માઇલ પણ લાંબા સમય સુધી પરત ન આવતાં પરિવારજનોએ તેની પણ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન એક ખુલ્લી જગ્યાએ ઝાડીમાંથી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ પોલીસને તેની જાણ કરતાં વરિષ્ઠ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઝીણવટભરી તપાસ કર્યા બાદ પોલીસે થોડાં કલાકોમાં જ આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફની ધરપકડ કરી હતી. એટલું જ નહીં પોલીસે માત્ર 11 દિવસના ટૂંકા ગાળામાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. 31 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે તમામ પુરાવાઓના આધારે આરોપી ઈસ્માઈલને ગુનેગાર ઠેરવ્યો હતો. સજા માટે 2 ઓગસ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આજે મોટો ચુકાદો આપતા કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
Advertisement