વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ગઈકાલે સાંજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સમિટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે એક બીજ વાવ્યું હતું જે હવે વટવૃક્ષ બની ગયું છે.
Advertisement
Advertisement
સમિટમાં ઉપસ્થિત લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું, ‘વાયબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનો કાર્યક્રમ નથી, પરંતુ તેનાથી પણ વધુ તે જોડાણનો કાર્યક્રમ છે. મારા માટે, આ મારી અને ગુજરાતના 7 કરોડ નાગરિકો અને તેમની ક્ષમતાઓ વચ્ચેનું જોડાણ છે. તેમણે વધુમાં કહ્યું, ‘તે સમયે ભલે મને મુખ્યમંત્રી તરીકે બહુ અનુભવ ન હતો. પરંતુ, મને મારા ગુજરાતના લોકોમાં અતૂટ વિશ્વાસ હતો.
પીએમ મોદીએ ઉમેર્યું કે વાયબ્રન્ટ સમિટની બેજોડ સફળતા દેશ માટે આદર્શ છે. પીએમ મોદીએ ઉમેર્યું કે, મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, મને એ દિવસો યાદ આવ્યા, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોઈ શકે ? ઉલ્લેખનીય છે કે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઇ હતી.
આ અગાઉ પીએમ મોદીએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોટિક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. રોબોટિક એક્ઝિબિશનમાં પીએમ મોદીએ ત્યાં હાજર કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી અને ત્યાં મૂકવામાં આવેલી તમામ રોબોટિક વસ્તુઓની માહિતી પણ મેળવી હતી.
પીએમ મોદી છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે
પીએમ મોદી થોડીક વારમાં છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે જશે. તેઓ બોડેલી ખાતેથી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. તેઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કરવામાં આવેલા કાર્યોનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ 1426 કરોડના ખર્ચે સ્માર્ટ રૂમ, કોમ્પ્યુટર લેબ, નવા વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત 7500 ગામોમાં વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના રૂ. 277 કરોડના કામોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
દાહોદમાં નવા FM સ્ટુડિયોનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન આજે શહેરી વિકાસ વિભાગના 251 કરોડ રૂપિયાના કામો અને પાણી પુરવઠા વિભાગના 80 કામોનું લોકાર્પણ કરશે, આ સાથે તેઓ દાહોદમાં નવોદય વિદ્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. દાહોદમાં નવા FM સ્ટુડિયોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ 27મી સપ્ટેમ્બરે જ વડોદરા જશે. પીએમ મોદી નવલખી મેદાનમાં રેલીને સંબોધન કરશે.
Advertisement