ગાંધીનગર: ગુજરાત પોલીસ વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ડીજીપી વિકાસ સહાયે હવે પોલીસને જ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. તેમણે નિયમોનું પાલન ન કરનારા પોલીસકર્મીઓને પરિપત્ર બહાર પાડીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે પહેલા પોલીસકર્મીઓ પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પછી લોકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તેઓ ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે ડીજીપીએ ટ્રાફિક પોલીસકર્મીઓને નિયમોની અવગણના કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં પોલીસકર્મીઓના વાહનોમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે, આ ઉપરાંત પોલીસકર્મીઓને હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ પહેરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તમામ શહેરો, જિલ્લાઓ અને વિવિધ વિભાગોમાં કામ કરતા કેટલાંક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે યુનિફોર્મમાં કોઈ પોલીસકર્મી ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, ત્યારે તેની પ્રજા પર તેની વિપરીત અસર થાય છે, જેથી પોલીસની છબી ખરાબ થાય છે. પોલીસકર્મીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાથી લોકો પર નકારાત્મક અસર પડે છે અને વાહનચાલકો પણ નિયમોનો ભંગ કરે છે.
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેના કારણે અકસ્માતો પણ થતાં રહે છે. આ સ્થિતિમાં પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો કાર્યવાહી સરળ બની શકે છે. કોઈ પોલીસકર્મી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસના વાહનો પરથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસ એજન્સીઓના મોટાભાગના પોલીસકર્મીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. પરંતુ આ પરિપત્ર બાદ હવે પોલીસ કર્મચારીઓ માટે બ્લેક ફિલ્મ હટાવવાનું ફરજિયાત બનશે.
Advertisement