લેખનઃ કિન્તુ ગઢવી
Advertisement
Advertisement
ભારતનો સુપર હીરો તો સામાન્ય માણસ જ છે. અમદાવાદના રેલ્વેસ્ટેશનના પર્યાવરણ વિભાગમાં અધિકારી તરીકે કામ કરતાં ફેડ્રિક પેરિઅથ પર દસ મિનિટની ડૉક્યૂમેન્ટરી બનાવવાનું એક સુંદર કામ અમારી ટીમને સોંપવામાં આવ્યું.
ફિલ્મના બેકગ્રાઉન્ડમાં એક રેલ્વેના અધિકારી અને અમદાવાદનું રેલ્વેસ્ટેશન હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તો કામ બહુ સામાન્ય લાગ્યું પરંતુ અમે જેમ જેમ ઊંડા ઉતરતા ગયા એમ એમ અમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
રેલ્વેમાં પર્યાવરણ વિભાગ સામાન્ય રીતે હંમેશા ઉપેક્ષિત થતો હોય છે. કેરલાના અને વર્ષોથી ગુજરાતમાં વસી ગયેલા ફેડ્રિક પેરિઅથની ત્રણ વર્ષ પહેલાં જ અહીં બદલી થઈ. ફેડ્રિક સરે રોજના ત્રણ લાખ લોકોના ફૂટફોલવાળા આ સ્ટેશનના પર્યાવરણની કાયાપલટ કરી નાંખી.
એક ટ્રેનને ધોવા માટે હજ્જારો લીટર પાણી જોઈએ. આ પાણીને સાત સ્ટેપમાં કુદરતી રીતે રિસાઈકલ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવાનો અદ્દભૂત આઈડિયા આ વ્યક્તિએ આપ્યો. આ કેવી મોટી રાષ્ટ્રસેવા છે !!
અહીં તેમણે પોલ્યુશન આંક દર્શાવતા સેન્સર મૂકી દીધા છે જેથી સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે કે અમદાવાદનું રેલ્વેસ્ટેશન ઘણી શાતાવાળી પરિસ્થિતિમાં છે.
કાલુપુર રેલ્વે સ્ટેશનના દરેક પ્લેટફોર્મ પર પ્લાસ્ટિકની બોટલનો તાત્કાલિક નિકાલ થાય એ માટે પ્લેટફોર્મ પર જ બોટલ ડિસ્પોસલ મશીન મુકી દીધા. સફાઈ કામદારોની આખી ટીમને નવેસરથી ટ્રેનિંગ આપીને ભીના અને સૂકા કચરાને અલગ કરીને તેમાના દરેક વેસ્ટનો શું ઉપયોગ કરવો તેનું વર્ગીકરણ કરીને તેમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો
અમદાવાદના રેલ્વેસ્ટેશનમાં આવતો તમામ પ્લાસ્ટિકનો કચરો ગોમતીપુર પાસે આવેલા એક યુનિટમાં ભેગો કરીને તે પ્લાસ્ટિકના કચરામાંથી તેમણે અદ્દભૂત ટાઈલ્સ, પહેરી શકાય એવા સુંદર ટી શર્ટ, ગંદી ટેટ્રા બોટલોને ક્રશ કરીને એક સુંદર બાકડો અને ભીના કચરામાંથી હજ્જારો ટન સેન્દ્રિય ખાતર બનાવ્યું. જેના દ્વારા આજે પણ રેલ્વે ઓફિસના કમ્પાઉન્ડમાં એક સુંદર મિયાવાકી જંગલે આકાર લીધો.
એક સીધા સાદા કર્મચારીએ પોતાના સમયને માનવીય અભિગમથી બહુજન હિતાય, બહુજન સુખાયમાં પરિવર્તિત કરી દીધો.
ફેડ્રિક પેરિઅથ સાથેનો આખો એક દિવસ આજે પણ મનને પ્રફુલ્લિત કરી દે તેવો છે. તેમની આંખોમાં સતત સજગતા છલકે અને દેખીતી રીતે લાગતી તમામ નકામી વસ્તુને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ જ આખો અલગ છે.
રેલ્વે સ્ટેશન પર એક મોટી સાઈઝની સિન્ટેક્સની ટાંકી જર્જરિત હાલતમાં પડી હતી. આટલી મોટી ટાંકી કોઈનીય નજરે ના ચડી પરંતુ ફેડરિક સરની નજરે એ ટાંકીમાં કંઈક નવું જોઈ લીધું.
થોડા જ દિવસોમાં એ ટાંકીને રેલ્વે યાર્ડમાં ખસેડવામાં આવી. તેમાં બારી બારણાં ફીટ થયા. અંદર ટાઈલ્સ લગાવવામાં આવ્યા અને એક સુંદર આધુનિક ટોઈલેટનું નિર્માણ થયું. આ ટોઈલેટ આજે પણ સાબરમતી રેલ્વેસ્ટેશનની બહાર સૌ કોઈ માટે ઇનોવેટિવ ચર્ચાનો વિષય હોય છે.
ફેડ્રિક પેરિઅથ થોડા દિવસ પહેલાં જ રિટાયર્ડ થયા. આખું કાલુપુરનું રેલ્વેસ્ટશન તેમનું એટલા માટે ઋણી છે કારણ કે આ પ્રકારનો પ્રયોગ સમગ્ર ભારતમાં પહેલો છે.
Times Now channel દ્વારા તેમને અમેઝિંગ ઈંડિયનનો એવોર્ડ એનાયત થયો. તેઓ માને છે કે કશું નકામું નથી. તેમના આ ઈનિશિયેટિવનું અનુકરણ દેશના અન્ય રેલ્વેસ્ટેશનોમાં પણ થઈ રહ્યું છે. તેમની સાથે વિતાવેલો એક દિવસનો સમય ખરેખર એક સંભારણું બની રહેશે.
સિનેમેટોગ્રાફર પાર્થ ચૌહાણ, મદદનીશ સંજય ભરવાડ સાથે મુસાફરીમાં ના હોઈએ એ રીતે એક રેલ્વેસ્ટેશન અને ત્યાંની આંતરિક દુનિયાને નજીકથી અનુભવવાનો એક સરસ મોકો મળ્યો.
Advertisement