મગફળીનું સતત બે વર્ષથી વર્ષે 45 લાખ ટનનું અને તેના પગલે 10 લાખ ટન સિંગતેલનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવા છતાં તેના ભાવને કૃત્રિમ રીતે અસહ્ય વધારી દેવાતા લોકોએ ખરીદી ઘટાડી નાંખી હતી અને સસ્તા કપાસિયા તેલ તરફ વળ્યા.
સ્થાનિક માર્કેટ કેપ ઘટવા લાગતા પખવાડિયાથી સિંગતેલમાં ઘટાડાનું વલણ શરુ થયું છે અને સૌરાષ્ટ્ર સિંગતેલમાં પ્રતિ 15 કિલો નવા ડબ્બાએ રુ.130નો ઘટાડો નોંધાયો છે.
સિંગતેલનો ભાવ ઘટતા રુ.2810-2860 ભાવે સોદા થયા હતા. આ જ સિંગતેલ 17 દિવસ પહેલાં 8 એપ્રિલે રેકોર્ડ રુ. 2940-2990ના ભાવે પહોંચ્યું હતું.
સિંગતેલ ઉપરાંત સાઈડ તેલોમાં પણ સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. પખવાડિયામાં કપાસિયા તેલ રુ. 1800-1850માં રુ.90નો ઘટાડો થતા આજે રુ.1710-1750 રહ્યું હતું.
કપાસિયા તેલ મુખ્યત્વે વેપારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં વપરાય છે અને સિંગતેલ મોંઘુ થતા વેપારી સૂત્રો અનુસાર લોકો ઘરેલું વપરાશમાં પણ કપાસિયા તેલની ખરીદી કરવા લાગ્યા હતા અને સિંગતેલની લેવાલી નહીં હોવા છતાં તેના ભાવ આશ્ચર્યજનક રીતે વધતા જતા હતા. આ કારણે સિંગતેલની સ્થાનિક માર્કેટ તૂટવા લાગી છે અને લોકોની ખાદ્યતેલની ટેવ પણ બદલાવા લાગી છે.
Advertisement