અમદાવાદ: ગુજરાતમાં સતત વરસાદ બાદ રવિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં તડકો જોવા મળ્યો હતો, પરંતુ હવે હવામાન વિભાગે આજથી આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. દક્ષિણ-પશ્ચિમના પવનો જમીનના નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આગામી 5 દિવસ વરસાદની આગાહી
છોટાઉદેપુર, નર્મદા, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, દીવ અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
જણાવી દઈએ કે શુક્રવાર અને શનિવારે વરસાદ બાદ રવિવારે અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દિવસભર તડકો રહ્યો હતો, જેના કારણે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. પરંતુ આજે હવામાન વિભાગની આગાહી બાદ અમદાવાદમાં સવારથી જ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. જોકે વચ્ચે વચ્ચે તડકો પણ આવી રહ્યો છે. નરોડામાં સવારે ઝરમર વરસાદ પડયો હતો. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ચોમાસુ 10 દિવસના વિલંબ સાથે પહોંચ્યું છે. પરંતુ સિઝનની શરૂઆતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. પ્રથમ તબક્કામાં જ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધીના તમામ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. હવે બીજા રાઉન્ડમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement