અમદાવાદઃ શહેરની શિવરંજની સોસાયટીમાં રહેતી પેઇંગ ગેસ્ટ યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે મારામારીનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીજી ગર્લ્સના કપડા અને કાર પાર્કિંગને લઈને વિવાદ શરૂ થયો હતો, જે હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સેટેલાઇટ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement
એકબીજા સામે ફરિયાદ નોંધાવવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારની શિવરંજની સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘણાં સમયથી વાહન પાર્કિંગ, કપડાં વગેરે બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે સોસાયટીમાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. સોસાયટીમાં પાર્ક કરાયેલા વાહનોની તોડફોડ બાબતે બંને પક્ષોની મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ અંગે બંને પક્ષની મહિલાઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એકબીજાની સામે ફરિયાદ નોંધાવી છે.
આ લડાઈનો વીડિયો પણ પોલીસને આપ્યો
સેટેલાઇટ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શિવરંજની સોસાયટીના કેટલાંક મકાનોમાં પેઇંગ ગેસ્ટની સુવિધા ચાલી રહી છે. જેના કારણે પેઇંગ ગેસ્ટ સંચાલકો અને સ્થાનિક રહીશો વચ્ચે વાહન પાર્કિંગ, ટૂંકા કપડા પહેરવા, મોડી રાત સુધી ફરવા સહિતના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. સોસાયટીના લોકોનો આરોપ છે કે રવિવારે સાંજે પીજીમાં રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે પાર્કિંગના મુદ્દે ઝઘડો થયો હતો. સેટેલાઇટ પોલીસે સ્થાનિક મહિલાઓ અને પીજી યુવતીઓ વતી ફરિયાદ નોંધી છે. રવિવારે થયેલી મારામારીનો વીડિયો પણ પોલીસને આપવામાં આવ્યો છે. પોલીસે હાલ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement