રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત એટલે કે નોન-ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ આગામી 5 જૂન, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે.
Advertisement
Advertisement
RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬, અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬, હિન્દી માધ્યમની ૨,૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જણાવાયુંછે કે RTE એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યની કુલ ૯,૮૩૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૫૩ જેટલી જગ્યાઓ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. તેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલા પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી તેમના RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે.
Advertisement