અમદાવાદના હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે રૂપિયા ૮.૮૦ કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા લાલ દરવાજા બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને સુસંગત હેરિટેજ થીમ પર થયું છે. હાલ અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની ૨૦૦ ઈલેક્ટ્રિક, ૯૦૫ સી.એન.જી અને ૧૩૦ ડિઝલ એમ કુલ ૧૨૩૫ બસ નાગરિકોની સેવામાં કાર્યરત છે.
Advertisement
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું સમગ્ર પરિસર ૧૧,૫૮૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં ૨,૫૮૮ ચોરસ મીટર વિસ્તારમાં હેરિટેજ બિલ્ડીંગ તૈયાર કરાયું છે. તેમાં ઓફિસ સ્ટાફનું બિલ્ડીંગ, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી ઉપડતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે.
Advertisement