અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. આ વર્ષે ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ચોમાસુ 10 દિવસ મોડું પહોંચ્યું છે. પરંતુ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના 125 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ થયો છે જેના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
Advertisement
Advertisement
ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત બિપરજોયને કારણે ચોમાસાની શરૂઆત 10 દિવસ મોડી થઈ છે, હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગઈકાલથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી, જે મુજબ રાજ્યના 125 તાલુકાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે.
125 તાલુકામાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના 125 તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત અમરેલીમાં પણ છેલ્લાં 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો છે, તેમજ માંગરોળ, વાગરા, ભરૂચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો છે, સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 24 કલાક બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજથી રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટાભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થવાની આશંકા હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
Advertisement