ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આજે સવારે ૬થી બપોરે ૧૨ સુધીમાં ૧૨૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. તેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ૧૫૨ મિ.મી. એટલે કે, ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 5.5 ઈંચ, ધારીમાં 5.2 ઈંચ, ખેરગામ તાલુકામાં 4.5 મિ.મી. અને પારડીમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા(ભાવનગર), વલસાડ, ચિખલી, તલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિધ્ધપુર, વધઈ અને મેંદરડા તાલુકાઓમાં ૨ ઈંચથી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રીએ મોડીરાત્રે બેઠક યોજીને માહિતી મેળવી
ગઈકાલે રાજ્યમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. ત્યાં મુખ્યમંત્રીએ જૂનાગઢ અને જામનગર જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સિંગ બેઠક યોજીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.
બે સિસ્ટમ સક્રિય થતાં મેઘમહેર
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટર્ફ અને સરક્યુલર સિસ્ટમ એમ બે સિસ્ટમ સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. દરમિયાન, આજે પણ મેઘરાજા ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ડેમો -જળાશયોની સપાટીમાં વધારો
જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લાં 24 કલાકમાં ખૂબ સારો વરસાદ વરસતા ડેમો તથા જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈ તથા લોકો માટે પાણીની તંગી પણ દૂર થશે. જામનગર જિલ્લામાં પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે અને ઊંડ-1 સહિતના મોટા ભાગના ડેમમાં પણ નવા નીરની પુષ્કળ આવક થતા જામનગરના લોકોની પીવાના તથા સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે. દરમિયાન, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગીર સોમનાથમાં મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉના તાલુકામાં ભારે વરસાદના કારણે ખત્રીવાડા ગામનો સંપર્ક કપાયો છે. આ સાથે કેટલીક નદીઓમાં પૂરના કારણે રસ્તા પર પાણી આવી ગયા છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના બે-બે દરવાજા ખોલવામાં આવ્યા છે, જે બાદ ઉનાના 19 ગામોને એલર્ટ કરાયા છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે એટલે કે 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે આગામી 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
Advertisement