અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 173 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સિઝનની શરૂઆતથી જ સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીઓ અને જળાશયોમાં નવા પાણી આવવા લાગ્યા છે. બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ગાંધીનગરમાં ગઈકાલે રાહત કમિશનરની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. તેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સૂચનો પણ કર્યા હતા.
Advertisement
Advertisement
અમદાવાદમાં 7 – 8 જુલાઈ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ-પશ્ચિમ ટ્રફ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જુલાઈથી પવનની ઝડપ વધશે. આ કારણોસર માછીમારોને 4 થી 7 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો વધુ એક તોફાની તબક્કો શરૂ થવાની શક્યતા છે.
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ
આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં 7 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે રાજ્યના 206 જળાશયોમાંથી 23 જળાશયો હાઈ એલર્ટ પર છે, 15 એલર્ટ પર છે. બેઠકમાં ભાગ લેનાર NDRF અને SDRFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમે વરસાદને કારણે ઊભી થતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ અને અન્ય તમામ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.
Advertisement