અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ છે ત્યારે અમદાવાદના નવા મેયરની આજે વરણી થઇ છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે. ગૌરાંગ પ્રજાપતિને સત્તાપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ભાજપ સંસદીય બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું સંપૂર્ણપણે નિભાવીશ. અમારા પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર, શહેરની સમૃદ્ધિ માટે કામ કરવામાં આવશે.
મેગા સિટી અમદાવાદ સહિત રાજ્યની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અધિકારીઓની પસંદગી અને ચૂંટણીની પ્રક્રિયા આજથી 16 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થશે. રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડે નામોને શોર્ટલિસ્ટ કરીને હાઈકમાન્ડને મોકલ્યા હતા, દિલ્હીથી હાઈકમાન્ડ દ્વારા આ અંતિમ પસંદગી કરવામાં આવી રહી છે.
રેસમાં આ નામ આગળ હતા
આ અગાઉ મેયર જેવા મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ થયું હતું. શાહીબાગ વોર્ડના મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈન અને મણિનગર વોર્ડના કાઉન્સિલર શીતલ ડાગા મેયર પદની રેસમાં સૌથી આગળ હતા. આ ઉપરાંત ભાજપ હાઈકમાન્ડ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ હિતેશ બારોટને ફરીથી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા હતી. કેટલાક કાઉન્સિલરોએ સ્થાયી સમિતિના ચેરમેન બનવા માટે અગાઉથી જ લોબિંગ શરૂ કરી દીધું હતું. જોકે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેતાં અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. તેમાં ભાજપના 159 અને કોંગ્રેસના માત્ર 25 અને અન્ય પક્ષના 7 કાઉન્સિલરો જીત્યા હતા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓએ ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારને અમદાવાદના મેયર તરીકે ચૂંટ્યા હતા. જ્યારે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને OBC ક્વોટામાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિન્દી ભાષી સમાજને ધ્યાનમાં રાખીને ચાંદખેડાના કાઉન્સિલર અરુણસિંહ રાજપૂતને દંડક પદ સોંપવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર તરીકે નારણપુરાના મહિલા કાઉન્સિલર ગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત સરસપુરના કાઉન્સિલર ભાસ્કર ભટ્ટને પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Advertisement