અમદાવાદમાં કાળજું કંપાવનારી ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ પર કાનૂની સકંજો ધીમે ધીમે વધી રહ્યો છે. આરોપી તથ્ય પટેલે 19મી જુલાઇની મોડી રાત્રે બેદરકારીપૂર્વક કાર ચલાવીને ઇસ્કોન બ્રિજ પર ઉભેલા 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. હવે પોલીસે આરોપી તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
Advertisement
Advertisement
પોલીસે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તથ્ય પટેલ વિરુદ્ધ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત એફએસએલ રિપોર્ટ, બાઇક સવાર દ્વારા લેવાયેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલ સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેકનિકલ અને સ્પોટ રિપોર્ટ તેમજ આરોપી તથ્યના ડીએનએ સહિત અનેક રિપોર્ટ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તેમાં IPC કલમ 308 (હત્યા) ઉમેરવાની પરવાનગી મળ્યા બાદ તે કલમ પણ જોડવામાં આવી છે. આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે આ કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે.
અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ તૈયાર કરાઈ
10 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલની સામે પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઈસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ટ્રાફિક-પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલનો પણ ગુનાઈત ઈતિહાસ છે. તે ઘટનાસ્થળે ગયો હતો અને લોકો સાથે વિખવાદ કર્યો હતો. ઘટનાસ્થળે લોકોને ધમકાવવા બદલ આરોપીના પિતા સામે પણ કેસ નોંધવામાં આવશે.
ક્યારે થઈ ઈસ્કોન બ્રિજ દુર્ઘટના ?
19-20 જુલાઈની મોડી રાત્રે, ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદની આ ઘટનાને શહેરનો અત્યાર સુધીનો સૌથી મોટો અકસ્માત કહી શકાય જેમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનું પણ મોત થયું છે. હકીકતે, ઇસ્કોન બ્રિજ પર થાર કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. જેને જોવા માટે બ્રિજ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માત બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી 160 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે આવેલી જગુઆર કાર લોકોને કચડીને આગળ વધી ગઈ હતી. આ અકસ્માત બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આગામી એક મહિના સુધી ડ્રાઈવ ચલાવવાનું નક્કી કર્યું છે.
Advertisement