તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી દુર્ઘટના જેવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે બની હતી. કાપોદ્રા વિસ્તારમાં એક બેકાબૂ કાર ચાલકે ત્રણ બાઇક સવારો સહિત કુલ છ લોકોને ટક્કર મારી હતી. સાજન પટેલ નામના આરોપીએ બીઆરટીએસ રૂટ પર તેની સ્વિફ્ટ કાર પૂરઝડપે દોડાવીને આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. પોલીસે કાર ચલાવી રહેલા વ્યક્તિ સાજન પટેલની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
સુરતના કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે થયેલા અકસ્માતમાં કારની સ્પીડ એટલી વધુ હતી કે ટક્કર માર્યા બાદ બાઇક 20 ફૂટ દૂર ખાબકી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેમાં જોઈ શકાય છે કે આરોપી સ્વિફ્ટ કાર લઈને BRTS ટ્રેકમાં જઈ રહ્યો છે અને સામેથી આવતા બાઈકોને એક બાદ એક અડફેટે લે છે. અકસ્માતમાં છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ કાર લે-વેચનો ધંધો કરે છે. સુરતના DCP ભક્તિ ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસે કલમ 308 દાખલ કરી છે. આરોપીને ઝડપી લેવાયો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ પાંચ ગુના નોંધાયેલા છે.
અમદાવાદ જગુઆર અકસ્માતમાં ઝડપાયેલા તથ્ય પટેલની જેમ સાજન પટેલ પણ ખૂબ ઝડપે વાહન ચલાવવાનો શોખીન છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અગાઉ પણ વધુ ઝડપે વાહનો ચલાવીને રીલ બનાવી છે. આટલું જ નહીં તેણે ઘણી વખત જોખમી સ્ટંટ પણ કર્યા છે. ધરપકડ બાદ પોલીસ તપાસમાં આરોપી કાર ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી કાર ચાલક સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો છે.
ઘટના બાદ પોલીસે આરોપીને તે જ સ્થળે લઈ જઈને પરેડ કરાવી હતી. તેનો વીડિયો પણ વાઈરલ થયો છે. પોલીસે તેની ધરપકડ કરીને તેણે જ્યાં અકસ્માત કર્યો હતો એ જ જગ્યા પર તેને હાથ જોડીને જાહેરમાં ફેરવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જઈને અકસ્માતનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
Advertisement