અમદાવાદ: હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. વૃદ્ધોથી લઈને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. દરમિયાન ગુજરાતના હિંમતનગર જિલ્લામાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં બે દિવસમાં હાર્ટ એટેકના કારણે ત્રણ યુવકોના મોત થયા છે.
Advertisement
Advertisement
યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ
ગુજરાતમાં એક બાજુ હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હિંમતનગરમાં 21 વર્ષીય કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક કેવિન રાવલની તબિયત ગઈકાલે મોડી રાત્રે અચાનક બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલ રોબોટિક્સ સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની શોધમાં હતો. યુવાન પુત્રના આકસ્મિક અને અકાળે મૃત્યુથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.
બે દિવસમાં ત્રણ યુવકોના મોત
હજુ ત્રણ દિવસ પહેલા જ અમદાવાદના એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હર્ષ સંઘવી નામનો યુવક રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક બસમાં તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવો નોંધાયા હતા, જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ સિવાય સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અન્ય એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.
Advertisement