ગાંધીનગરઃ રાજ્યસભાના ત્રણ સાંસદોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવાને કારણે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા ઓછી છે, તેથી ત્રણેય બેઠકો ફરી એકવાર ભાજપના ખાતામાં જશે. પરંતુ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવાની તક નહીં મળે.
Advertisement
Advertisement
ધારાસભ્યોની સંખ્યા 45 હોવી જોઈએ
ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ જોઈએ તો પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી લડવી હોય તો 182 બેઠકોના આધારે પાર્ટી પાસે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. આ જોતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લડે તેવી શક્યતા નહિવત છે. ગુજરાતના ત્રણ રાજ્યસભાના સભ્યોનો 6 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેથી જ 3 બેઠકો માટે ચૂંટણી યોજવી પડશે. વિદેશ મંત્રી એસ જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડિયાનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
કોંગ્રેસને પાંચ વર્ષ સુધી એક પણ બેઠક નહીં મળે
એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યસભામાં એક પણ બેઠક નહીં મળે. રાજ્યસભાના ચાર સાંસદોનો કાર્યકાળ આવતા વર્ષે એપ્રિલમાં પૂરો થવાનો છે. જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ સામેલ છે. કોંગ્રેસને આ બે બેઠકો પર પણ હારનો સામનો કરવો પડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. જેના કારણે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પડકાર આપી શકશે નહીં. ગત ટર્મ કરતા આ વખતે કોંગ્રેસની તાકાત પણ ઘટી છે. તેથી જ રાજ્યસભાની ચૂંટણી જીતવામાં ભાજપને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. આમાંથી 8 બેઠકો પર ભાજપનો કબજો છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે. તેમાંથી આવતા વર્ષે વધુ બે બેઠકો કોંગ્રેસના હાથમાંથી જશે, ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસમાંથી માત્ર શક્તિસિંહ ગોહિલ જ બચશે.
Advertisement