અમદાવાદઃ આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં દેશના ચાર રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેને માટે ભારતીય જનતા પાર્ટીએ પુરજોશમાં તૈયારીઓ હાથ ધરી છે. ભાજપાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પ્રભારીના નામોની જાહેરાત કરી દીધી છે. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ પ્રભારી તરીકેનો હવાલો સોંપાયો છે જ્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી નીમવામાં આવ્યાં છે. આમ ગુજરાતના ભાજપના બે અગ્રણીઓને બે રાજ્યમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Advertisement
Advertisement
દરમિયાન, ભાજપાએ રાજસ્થાનના પ્રદેશ પ્રભારી તરીકે પ્રહલાદ જોશી, છત્તીસગઢના પ્રદેશ પ્રભારી તરીકે ઓમપ્રકાશ માથુર, મધ્ય પ્રદેશ માટે ભૂપેન્દ્ર યાદવ અને તેલંગાણા માટે પ્રકાશ જાવડેકરની પ્રદેશ પ્રભારી તરીકે નિમણુંક કરી છે.
ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં પ્રમુખ બદલ્યા
ભાજપાએ આગામી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પક્ષ સંગઠનના સ્તરે ફેરફારો શરૂ કરી દીધા છે. ચાલુ વર્ષના અંત ભાગમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપાએ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી છે. જી કિશન રેડ્ડી, સુનીલ જાખડ અને બાબુલાલ મરાંડીને અનુક્રમે તેલંગાણા, પંજાબ અને ઝારખંડમાં ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવાયા છે. ભાજપના સંગઠનમાં આ ફેરફારને પગલે મોદી કેબિનેટમાં ફેરબદલને અટકળોને પણ વેગ મળ્યો છે, કારણ કે જી કિશન રેડ્ડી હાલમાં કેન્દ્રીય પ્રધાન છે.
કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી
સંગઠનમાં ફેરફારની સાથે સાથે મંત્રીમંડળમાં પણ ફેરફારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડીને તેલંગાણા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી તેમના સ્થાને અન્ય કોઈ નેતાને કેન્દ્રીય મંત્રીની જવાબદારી આપવામાં આવી શકે તેમ મનાય છે. આ ઉપરાંત, કેટલાંક વધુ નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓ સંગઠનમાં પરત આવી શકે છે.
Advertisement