અમદાવાદ: 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના 43 શહેરોમાં મકાનોની કિંમતમાં ભારે વધારો નોંધાયો છે. મતલબ કે હવે આ શહેરોમાં ઘર ખરીદવું મોંઘુ થઈ ગયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન, સાત શહેરોમાં રહેણાંક એકમોના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) એ તાજેતરમાં આ માહિતી આપી હતી. અહેવાલ મુજબ અમદાવાદમાં રહેણાંક મિલકતના ભાવમાં 9.1 ટકાનો વધારો થયો છે.
Advertisement
Advertisement
બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી એકત્ર કરાયેલા પ્રોપર્ટી વેલ્યુએશનના આધારે 50 શહેરોના હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ (HPI)માં 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક 4.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા આ આંકડો 7 ટકા હતો. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 20.1 ટકાનો વધારો ગુરુગ્રામમાં નોંધાયો છે.
ગુરુગ્રામમાં રહેણાંક મકાનો પહેલાં કરતા વધુ મોંઘા થઈ ગયા છે. અહીં મકાનોની કિંમતમાં 20.1 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે લુધિયાણામાં મકાનની કિંમતમાં સૌથી વધુ 19.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે NHB હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર, હોમ લોનના વ્યાજ દરો હજુ પણ રોગચાળા પહેલાના સ્તરો કરતાં ઓછા છે.
HPI ઇન્ડેક્સ અનુસાર, દેશના આઠ મુખ્ય રહેણાંક બજારો પૈકી, દિલ્હીમાં ઘરની કિંમતો પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સૌથી ઓછી 0.8 ટકા વધી હતી, તેમાં અમદાવાદમાં રહેણાંક મિલકતના ભાવમાં 9.1 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, બેંગલુરુમાં 8.9 ટકા, કોલકાતામાં 7.8 ટકા, હૈદરાબાદમાં 6.9 ટકા, પૂણેમાં 6.1 ટકા, મુંબઈમાં 2.9 ટકા અને ચેન્નાઈમાં 1.1 ટકાનો વધારો થયો છે.
વર્તમાન નાણાંકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન ત્રિમાસિક ધોરણે 50 માંથી 36 શહેરોમાં મકાનની કિંમતમાં વધારો નોંધવામાં આવ્યો છે. ચંડીગઢમાં રહેણાંક મિલકતોની કિંમતમાં 4.9 ટકાનો વધારો થયો છે. પરંતુ નવી મુંબઈ, લુધિયાણા, હાવડામાં ઘરની કિંમતમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
Advertisement