ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્ર ઉપરથી આવતાં પવનોના કારણે વાતાવરણમાં ભેજ જણાતા બપોરે ગરમી સાથે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડતાં કેટલાંક સ્થળે ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરતાં વાતાવરણમાં પલટો થવાની સંભાવના છે.
Advertisement
Advertisement
ડીસા હવામાન મથક ઉપર બુધવારે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે દિવસ દરમિયાન પ્રતિ કલાકે સરેરાશ 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સવારે પવનની ગતિ 20 કિલોમીટર, બપોરે 16 કિલોમીટર અને સાંજે 17 કિલોમીટરની નોંધાઈ હતી.
જ્યારે પાટણનું મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં હાલ પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રમાંથી પવનો ફૂંકાતા હોવાથી ભેજવાળા પવન હોવાથી નાગરિકોને ગરમીની સાથે ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે.
બુધવારે બપોર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની પરિસ્થિતિ સર્જાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ ગતિએ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા. જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેના પરિણામે છૂટાછવાયા સ્થળે હળવાં ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે.
Advertisement