હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે. મોટા ભાગના વિસ્તારોમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદ થાય તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી.
Advertisement
Advertisement
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના છૂટછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાંક જિલ્લામાં પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
દરમિયાન, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની તેમણે આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો
અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો છે, સિઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ રહ્યો છે. અત્યાર સુધીમાં 70 ટકા વધુ વરસાદ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
Advertisement