શહેરમાં વુમન એમ્પાવરમેન્ટના અનેક દાખલાઓ જોયા અને જાણ્યા હશે પરંતુ શું છેવાડાના ગામડાંઓમાં મહિલાઓનું રાજ હોવું તેવું સાંભળ્યું છે? જી હા!!! વાત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલી ગામની જ્યાં મહિલાઓનું રાજ ચાલે છે. આ મહિલાઓ રોડ રસ્તા ગટર વ્યવસ્થાપનથી લઈને પાણીની વ્યવસ્થા, બજારોનું સંચાલન, કિરાણા સ્ટોરનું સંચાલન, ગ્રામ પંચાયતનું સંચાલન બધું જ એકલા હાથે કરી લે છે.
ગામના સરપંચ શિલ્પાબહેન કહે છે કે, ખડસલી ગામની કોઈપણ નાની-મોટી સંચાલનની વાત હોય મહિલાઓ બધી જ જવાબદારી બખૂબી સંભાળી લે છે.
ખડસલી ગામ આધુનિક ગામડાની વ્યાખ્યામાં એકદમ પરફેક્ટ બેસે છે. અહીં તમને ગ્રામ્ય જીવનની ફિલ પણ આવશે અને આધુનિકીકરણની ઝલક પણ દેખાશે. ખડસલી ગામ સાવરકુંડલા મહુવા હાઈવે પર 21 કિલોમીટરના અંતરે આવેલું છે. હાઈવેથી ગામની અંદર એક કિલોમીટરનો પાક્કો રોડ પણ બનાવેલો છે. ઉપરાંત આ ગામની અંદર તમામ ગુજરાત સરકારની એસટી બસની પણ સુવિધા છે. ગામની ભાગોળે હેલીપેડ પણ બનાવાયું છે.
આ ગામ સાચા અર્થમાં શિક્ષિત ગામડાનો દરજ્જો ધરાવે છે કારણ કે ગામની અંદર જ ધોરણ 1થી 12 સુધી અભ્યાસ માટેની શાળા બનાવાઈ છે. તેમજ 11 અને 12માં ધોરણમાં સાયન્સની ફેકલ્ટી પણ રખાઈ છે. તો ધોરણ 10 પછી વેટેનરી સાયન્સ પશુ ડોક્ટરના અભ્યાસક્રમ માટે પણ લોકશાળા ગામમાં કાર્યરત છે. આટલું જ નહીં ગામમાં વિદ્યાર્થીઓને રહેવા છાત્રાલય પણ છે.
Advertisement