ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પાણીની મોટી સમસ્યા છે જેના પરિણામ ત્યાં ખેતી શૂન્ય છે. આમ કપરી પરિસ્થિતિને કારણે ખેડૂતોને વધુ માર પડે છે. પીયત માટે ખેડૂતોને મીઠા પાણીની જરુર પડે છે પરંતુ મોટાભાગના બોરમાં ખારુ પાણી આવે છે.
ખારા પાણીને કારણે ખેડૂતો જોઈએ તેવો પાક લઈ શકતા નથી. આ સંજોગોમાં ખીજડિયા ગામના ખેડૂત જેન્તીભાઈ વસોયાએ પોતાની કોઠાસૂઝથી એવી પદ્ધતિ વિકસાવી છે કે તેમના બોરમાં આવતું પાણી મીઠું થઈ ગયું છે.
આજે તેઓ સીઝનમાં ત્રણથી વધુ પાક લઈ રહ્યા છે. એટલું જ નહીં, આસપાસના અન્ય ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેન્તીભાઈ છેલ્લા 6 વર્ષથી ગાય આધારિત બાગાયત ખેતી કરે છે. હાલ તે કેરી, ચીકુ, દાડમ, ખારેક, સેતુર, કેળા, પપૈયા, નારિયેળ અને તુલસી સહિત જાતજાતના ફ્રૂટની ખેતી કરે છે.
તેઓ ઘણા વર્ષો બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા અને હવે માતૃભૂમિના ઋણ કાજે તેઓ વતન પરત ફરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ખીજડીયા ગામ જામનગરની ભાગોળે આવેલું છે, આ ગામથી માત્ર બે કિલોમીટર દૂર જ દરિયો છે. આ ગામમાં ખેડૂતો ખારા પામીથી પરેશાન છે. જેથી પાણીને મીઠું કેવી રીતે કરવું તેનો સોશિયલ મિડિયા પર એક વિડિયો જોયો. આ વિડિયો જોયા બાદ જેન્તીભાઈએ કોઠાસૂઝથી એક પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિથી એક જ વર્ષમાં પરિણામ મળવા લાગ્યું.
જેન્તીભાઈ કહે છે કે, સૌપ્રથમ એક બોર કરવાનો હોય છે. આ બોર ખેતરમાં એવી જગ્યાએ કરવાનો જ્યાં વરસાદનું પાણી જમા થતું હોય. બોરના પાઈપમાં ગ્રીલ મશીનથી છેદ કરવાના, બોર કર્યા બાદ બોરના પીવીસી પાઈપની ચારે બાજુ 10 ફૂટ સુધી ખાડો કરવાનો હોય છે. આ ખાડામાં પથ્થર, રેતી ભરી બંધ કરવાનો રહેશે.
ત્યારબાદ વરસાદનું પામી આ ખાડામાં ઉતરે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આમ જેવું વરસાદનું પાણી આ બોરમાં ઉતરશે કે તુરંત બોર રિચાર્જ થઈ જશે અને ખારા પાણીની જગ્યાએ મીઠું પાણી આવવા લાગશે. ખારા પામીને મીઠું કરવાની આ પદ્ધતિમાં અંદાજે 50 હજાર રુપિયાનો ખર્ચ થાય છે ત્યારે જિલ્લા સહિત રાજ્યના તમા ખેડૂતો હવે જો આ પ્રયોગ કરે તો એમની સિંચાઈ કે ડેમ આધારિત ના રહેવું પડે.
Advertisement