અમદાવાદઃ આજે દેશભરમાં મુસ્લિમ સમુદાય મહોરમનો તહેવાર મનાવી રહ્યો છે. મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. તે મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે, તેથી મોહરમ પર આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે શહેરના કેટલાંક વિસ્તારોમાં મોહરમના જુલૂસને કારણે BRTSઅને AMTSના રૂટમાં ફેરફારની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
98 રૂટની કુલ 583 બસોના રૂટમાં ફેરફાર
તાજિયા જુલૂસને કારણે AMCએ શહેરમાં કેટલાક AMTS-BRTS બસ રૂટ બંધ કરી દીધા છે અને કેટલાક રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. AMCએ 98 રૂટ પર 583 બસોના રૂટ બદલ્યા છે. જ્યારે 16 બીઆરટીએસ બસો અટકાવી દેવામાં આવી છે. 7 જેટલા રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. આ એએમટીએસ-બીઆરટીએસના રૂટમાં ફેરફાર આજે બપોરથી આગળની સૂચના સુધી લાગુ રહેશે.
આ ડાયવર્ટ રૂટની માહિતી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત મુજબ તાજિયાના જુલુસને કારણે એલિસબ્રિજ તિલક બાગથી ખમાસા, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સારંગપુર, રખિયાલ રૂટ પર બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને બસો બંધ રહેશે. આ સાથે રૂટ નંબર 101 અને 201 પણ સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત લાલ દરવાજા તરફ આવતી એએમટીએસ બસનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મણિનગર, ઈસનપુર, વટવા તરફથી આવતી એસટી બસો મજુરગામ, સરદાર બ્રિજ થઈને એલિસબ્રિજથી પાલડી સુધી જશે. આ ઉપરાંત સારંગપુર, આસ્ટોડિયા અને તિલક બાગ જતી બસો કાલુપુર સુધી જ જશે. ઈન્કમટેક્સથી નહેરુબ્રિજ થઈને લાલ દરવાજા સુધી જતી બસો દોડી રહી છે પરંતુ તેનો રૂટ ટુંકાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર શહેરમાં શોકના જુલૂસ કાઢવામાં આવે છે અને સ્થળે સ્થળે લોકો તાજિયા લઈને નીકળે છે. સાંજે લાલ દરવાજા ખાતે એક સ્ટેજ ઊભું કરવામાં આવે છે અને અહીં તમામ લોકોનું સ્વાગત કરવામાં આવે છે. તેમાં ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ મુસ્લિમ સમાજના લોકો સાથે ભાગ લે છે. આ પ્રસંગે અમદાવાદ શહેરમાં અનોખી કોમી એકતાનો નજારો જોવા મળે છે.
Advertisement