રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન (HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનો મંગળવારે આરંભ કરાવ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રીએ આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ હવે સરકારી હોસ્પિટલમાં દર્દી અને સગાઓને સરળતાથી સેવા-સુવિધાઓની માહિતી ઉપલબ્ધ થશે. આ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન ગાંધીનગરથી શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટ બાદ રાજ્યની કુલ ૯૩ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. તેમાં રાજ્યની ૬ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, ૮ GMERS મેડિકલ કૉલેજ, ૨૧ જિલ્લા હોસ્પિટલ અને ૫૮ પેટા જિલ્લા હોસ્પિટલનો સમાવેશ થાય છે.
આ મિશન હેઠળ આરોગ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.
દર્દી – કેન્દ્રીત આરોગ્ય સારવાર અને સંભાળની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓની ઉપલબ્ધતા હોસ્પિટલમા આવતા દર્દી અને તેમના સગાઓને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત ૨૪x૭ સરળતા થી ઉપલબ્ઘ કરાવવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
દર્દી અને તેમના સગાઓની હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કારનો પણ આરંભ કરાયો હતો. આ ત્રણેય ગોલ્ફકાર એક સેવાભાવી સંસ્થા દ્વારા સી.એસ.આર. અંતર્ગત હોસ્પિટલમાં દર્દીઓની સેવાર્થે આપવામાં આવી છે. આ ત્રણેય સેવાઓને ખુલ્લી મુકતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
Advertisement