ગાંધીનગર: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદથી રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચશે અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. દરમિયાન, વરસાદથી ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૪ ટીમ તૈનાત કરવામાં આવી હોવાના અહેવાલ છે. જેમાં એક – એક ટીમ જામનગર, કરછ, જુનાગઢ અને નવસારી ખાતે રખાઈ છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કરછના અંજારમાં આજે બપોરે 2 થી 4ના માત્ર બે કલાકના ગાળામાં ૧૬૬ મીમી એટલે કે લગભગ પોણા સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય જિલ્લાઓમાં સવારે 6થી બપોરે 4 સુધી થયેલા વરસાદના આંકડા પ્રમાણે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 9 ઈંચ, જામનગરમાં 8 ઈંચ, અંજારમાં પોણા 8 ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં 5 ઈંચ અને ધરમપુર તાલુકામાં પોણા પાંચ ઈંચ જ્યારે તાપીના વ્યારામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયોછે. જૂનાગઢના વંથલીમાં અને જૂનાગઢ સિટીમાં 4 -4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં ભારે વરસાદ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સાંજથી ભારે વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદ નગર, એસ જી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. પૂર્વ અમદાવાદમાં પણ મૂશળધાર વરસાદ પડ્યો હતો. શહોરમાં આવેલા અખબારનગર, મીઠાખળી સહિતના અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા.
કચ્છના અંજારમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે પ્રવાહ સાથે પાણી વહી રહ્યા છે. ગામો તો ઠીક શહેરની ગલીઓમાં પણ નદીઓ વહેતી હોય તેવી તસવીરો જોવા મળી હતી. તંત્રને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવાની જરૂર ઉભી થઈ હતી.
મોડવદર નદીમાં બોલેરો કાર ફસાઈ
દરમિયાન, અંજારના મોડવદર પાસે વહેતી નદી પાર કરતી વખતે એક બોલેરો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ હતી. આ બોલેરો કારમાં 9 લોકો સવાર હતા. વહેતા પાણીમાં નદીની વચ્ચોવચ બોલેરો બંધ પડી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ ટ્રક વડે ફસાયેલા લોકોનું ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું હતું. વહેતા પાણીમાં ટ્રક મોકલીને ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
નવસારીમાં રેલવે ગરનાળામાં કાર ફસાઈ
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દરમિયાન નવસારીના મંદિર ગામના રેલવે ગરનાળામાં એક કાર પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી. ગરનાળામાં થી પસાર થતી વખતે અચાનક પાણીનો વધી જતા કારમાં સવાર ચાર યુવાનો પાણીમાં કાર સાથે ડૂબવા લાગ્યા હતા. જોકે, આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમની મદદ માટે પહોંચી ગયો હતો અને રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ ચારેયને બચાવી લીધાં હતા.
હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા , જુનાગઢ , પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ , પાટણ , સુરત, તાપી, નવસારી, વલસાડ,ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા,નર્મદા, દાહોદ , છોટા ઉદેપુર અને ભરુચમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
દરમિયાન, રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પોણા ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જામકંડોરણાની નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જ્યારે રાયડી ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યાં માત્ર એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જામનગરમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ગઈ મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. જામનગરમાં રાત્રિના બે વાગ્યાથી આજે બપોરના 12:00 વાગ્યા સુધીમાં 236 મી.મી. એટલે કે 10.30 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 10 ઇંચ ઉપર વરસાદ પડવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ પણ સામે આવી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો રામેશ્વર નગર, પુનિત નગર, મચ્છર નગર, નવાગામ ઘેડ, ધણસેરી તેમજ ચર્ચ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જામનગરના રસોઈ ડેમ, રણજીતસાગર ડેમ, ઉંડ ડેમ, આજી ડેમ વગેરેમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં વરસાદી પાણીની આવકને લીધે દીવાલનો મોટાભાગનો હિસ્સો ધરાશાઇ થયો હતો. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. જામનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાએ નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલ સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી.
Advertisement