અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. મોદી અટક કેસમાં સુરત કોર્ટે ફટકારેલી સજા અંગે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.
Advertisement
Advertisement
મોદી અટકના નિવેદન પર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને પણ ફગાવી દીધી હતી. મોદી અટક પર ટિપ્પણી કરવાને કારણે નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમણે સંસદનું સભ્યપદ ગુમાવી દીધું હતું. નીચલી કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી નથી.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે ‘મોદી અટક’ ટિપ્પણી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર મનાઈ ફરમાવવાનો ઇનકાર કરતા સેશન્સ કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (એમપી) તરીકે સસ્પેન્શનને રદ કરવાની માંગ કરી શકશે નહીં. તેઓ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે તેમને દોષી ઠેરવવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.
શું છે સમગ્ર મામલો ?
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલે તેમની ટિપ્પણીથી સમગ્ર મોદી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના ભૂતપૂર્વ લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક જાહેર સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. 23 માર્ચે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. તે પછી તેમનું લોકસભાનું સભ્યપદ પણ જતું રહ્યું અને સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો.
Advertisement