અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરોની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. રખડતા ઢોરોની વધતી જતી સંખ્યાથી પ્રજા પરેશાન જોવા મળી રહી છે. બીજી બાજુ વહીવટી તંત્ર પણ આ મામલે મૌન સેવી રહ્યું છે. વાહનચાલકો, રાહદારીઓ, નાના બાળકોથી લઈને વૃદ્ધો રસ્તાઓ પર રખડતા ઢોરોનો સતત શિકાર બની રહ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને રખડતા પશુઓની સમસ્યાના ઉકેલ માટે ગંભીરતાપૂર્વક કામ કરવાની ચેતવણી આપી હતી. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી પશુ નિયંત્રણ નીતિને મંજૂરી આપી છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ દાવો કર્યો છે કે રખડતા ઢોરોની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.
Advertisement
Advertisement
છાણની કિંમત મળવાને લીધે પશુપાલકો તેમના પશુઓને છોડશે નહીં
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યાના ઉકેલ માટે નવી ટેક્નોલોજી પર વિચારણા કરી રહી છે. સરકાર ગોબર ધન યોજના લાગુ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવશે. દૂધની સાથે સરકાર પશુપાલકો પાસેથી પશુનું છાણ પણ ખરીદશે. હવે દૂધની સાથે પશુપાલકો અને ખેડૂતો પાસેથી છાણ પણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે. દૂધાળા પશુઓના છાણના ભાવ મળવાથી પશુપાલકો ઢોરોને રસ્તા પર રખડવા માટે છોડશે નહીં.
કેન્દ્ર સરકારની ગોબર ધન યોજના શું છે?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટમાં ‘ગોબર ધન યોજના’ હેઠળ દેશમાં 500 નવા ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. તેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળશે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ 2018 ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) યોજના શરૂ કરવામાં આવી હતી.‘ગોબર ધન યોજના’નો મુખ્ય ઉદ્દેશ ગામડાઓ અને શહેરોના પશુઓના છાણ અને પાકના અવશેષોને બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરીને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.
Advertisement