અમદાવાદ: ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મૃત્યુની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આ વખતે નવરાત્રિના નવ દિવસમાં હાર્ટ એટેકના કારણે લગભગ 36 જેટલા લોકોના મોત થયા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોએ આ મુદ્દે સંશોધનની માંગ કરી છે. હવે આ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. હાર્ટ એટેકનું કારણ જાણવા માટે સરકારે નિષ્ણાત તબીબોની કમિટીની રચના કરી છે. તેમાં યુ.એન.મહેતા અને ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
કેબિનેટની બેઠકમાં સરકારે નિર્ણય લીધો
યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ જાણવા માટે રાજ્ય સરકારે નિષ્ણાત તબીબોની એક કમિટીની રચના કરી છે. યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના વડા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સમિતિમાં ડો.જયેશ શાહ, ડો.ગજેન્દ્ર દુબે અને ડો.પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ કમિટીમાં સમાવિષ્ટ તબીબો યુવાનોને હાર્ટ એટેક કેમ આવી રહ્યો છે અને તેમનું મૃત્યુ શા માટે થઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરશે.
રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસોથી સરકાર ચિંતિત
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો અંગે નાણામંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઈને સરકાર ચિંતિત છે. આ માટે સરકારે એક કમિટીની રચના કરી છે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે કોરોના વેક્સીનને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જે તદ્દન ખોટું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આવી ઘટનાઓ વધી છે.
Advertisement