ગઈકાલે ચાર યુવકો રાજુલાના પટવા ગામમાં દરિયા કિનારે બનેલી ખાડીમાં ન્હાવા ગયા હતા. જોકે, જોરદાર મોજાના કારણે તેઓ ડૂબવા લાગ્યા હતા. તે સમયે દરિયા કિનારે હાજર ગુજરાતના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ચારમાંથી ત્રણ યુવાનોના જીવ બચાવ્યા હતા. યુવકોને બચાવવા માટે ધારાસભ્ય પોતે દરિયામાં કૂદી પડ્યા હતા.
Advertisement
Advertisement
જોકે, આ ઘટનામાં એક યુવકને બચાવી શકાયો ન હતો, તેનું મોત થયું હતું. આ અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. હીરાભાઈ સોલંકી અમરેલીના રાજુલાના ધારાસભ્ય છે. 2018માં પણ તેઓ ડૂબતા યુવકને બચાવવા તેમણે દરિયામાં ઝંપલાવ્યુ હતું.
યુવકો દરિયામાં નહાવા ગયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ચારેય યુવકો રાજુલાના પટવા ગામમાં દરિયા કિનારે બનેલી ખાડીમાં ન્હાવા ગયા હતા. જોરદાર મોજાને કારણે તેઓ ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા હતા. તેમણે મદદ માટે બૂમો પાડી હતી. તેમનો અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના સમયે ધારાસભ્ય સોલંકી પણ બીચ પર હાજર હતા.
તેઓ યુવકોને બચાવવા તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. અન્ય કેટલાંક લોકોની મદદથી ત્રણ યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ત્યાં સુધીમાં ચોથો યુવક ડૂબી ગયો હતો. લાંબી શોધખોળ બાદ સાંજે ચોથા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ધારાસભ્યની પ્રશંસા
બચાવી લેવાયેલા યુવકોની ઓળખ કલ્પેશ શિયાળ, વિજય ગુજરિયા, નિકુલ ગુજરિયા તરીકે થઈ છે જ્યારે તેમના મિત્ર જીવન ગુજરિયાનું મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા પર લોકો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
Advertisement