અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભેલા લોકો પર જગુઆર કાર ચડાવીને નવ લોકોને ટક્કર મારીને કચડી નાંખનાર તથ્ય પટેલના એક પછી એક કારનામાનો ખુલાસો થઇ રહ્યો છે. જગુઆરના કારનામાની તપાસ ચાલી રહી છે. દરમિયાન, આરોપી તથ્યના મિત્રોએ ખુલાસો કર્યો છે કે છ મહિના પહેલા તેણે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળિયાદેવ મંદિરમાં જગુઆર કાર ઘૂસાડી દીધી હતી. આ અકસ્માત પણ એટલો જોરદાર હતો કે મંદિરનો થાંભલો તૂટી ગયો હતો. આ અકસ્માત સમયે કારનો નંબર કે અન્ય માહિતી ન હોવાને લીધે કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ મિત્રોના આ ખુલાસા બાદ સાંતેજ પોલીસમાં કેસ દાખલ કરાયો છે.
Advertisement
Advertisement
જગુઆર કાર મંદિરના થાંભલા સાથે અથડાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, તથ્ય પટેલે સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બળિયાદેવ મંદિરમાં જગુઆર કાર ઘુસાડી દીધી હતી. જેના કારણે થાંભલો તૂટી ગયો હતો અને 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં પોલીસને શંકા છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે તથ્ય બહાર નીકળ્યો હતો અને આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે મણાજી પ્રતાપજી ઠાકોરની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું
નોંધાયેલી FIR મુજબ, 1 જાન્યુઆરી, 2023 ની સવારે, એક અજાણ્યા ડ્રાઈવરે બળિયાદેવ મંદિરની સામેના થાંભલાને ટક્કર મારી હતી. જેના કારણે મંદિરની છતનો એક ભાગ ઝૂકી ગયો હતો અને મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું. પરંતુ, ગામમાં કોઈની પાસે મંદિરને નુકસાન પહોંચાડનાર કારનો નંબર કે અન્ય કોઈ માહિતી ન હતી. પરંતુ હવે આરોપીના મિત્રોએ ખુલાસો કર્યો છે કે તથ્યે જ તે મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલે અમદાવાદ ઈસ્કોન ઓવરબ્રિજ પર બેદરકારી અને બેજવાબદારીપૂર્વક કાર ચલાવીને 10 લોકોના જીવ લઈ લીધા હતા. આ દસ લોકોમાંથી સાત વિદ્યાર્થીઓ હતા, જેમણે હજુ પોતાનું જીવન જીવવાનું પણ શરૂ કર્યું ન હતું. આ ઘટના બાદ પોલીસ હવે ઉંઘમાંથી જાગી ગઈ છે અને તથ્ય સામે એક પછી એક એફઆઈઆર નોંધી રહી છે. તથ્ય પટેલ વિરુદ્ધ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાના અને અકસ્માત સર્જવાના આરોપસર ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Advertisement