ગાંધીનગરઃ પંચમહાલના પ્રભાવશાળી નેતા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ગઈકાલે 83 વર્ષની વયે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રભાત સિંહ પાંચ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે. પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દી મહેલોલ ગામના સરપંચ તરીકે શરૂ કરી હતી. એટલું જ નહીં, તેઓ પંચાયતથી લઈને સંસદ સુધી ખૂબ જ લોકપ્રિય નેતા હતા.
Advertisement
Advertisement
પંચમહાલની જનતાએ પોતાની આગવી ઓળખ ધરાવતા લોકપ્રિય નેતા ગુમાવ્યા છે. પોતાની મૂછો અને આકર્ષક સ્ટાઇલ માટે જાણીતા પ્રભાત સિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનની જાણ થતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રતાપસિંહ ચૌહાણને ધાર્મિક પુસ્તકો અને અખબારો વાંચવાનો શોખ હતો. લાંબી કૂદ અને કબડ્ડી જેવી રમતોમાં તેમને વિશેષ રસ હતો. તે “ફિટનેસ ફ્રીક” પણ હતા અને તેમને યોગ અને વ્યાયામ કરવાનું પસંદ હતું.
રાજકીય સફર
રાજકીય ઘટનાક્રમની વાત કરીએ તો, પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ 1980 થી 90 વચ્ચે મહેલોલ ગામના સરપંચ હતા. આ ઉપરાંત તેઓ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય પણ હતા. તેઓ કલોલથી ચૂંટણી જીત્યા હતા અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પ્રવેશ મેળવ્યો હતો. આ બેઠક પરથી જ બે વખત ચૂંટણી જીતનારા ચૌહાણને વન અને પર્યાવરણ નાયબ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
1990માં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતા તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા. 2007માં પણ ભાજપે તેમને ટિકિટ આપી હતી. પરંતુ આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સીકે રાઉલજી સામે હારી ગયા હતા.
તેઓ 2009 અને 2014માં લોકસભા માટે ચૂંટાયા હતા. અગાઉ તેમની પસંદગી નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળની સલાહકાર સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી.
Advertisement